દામનગર-ગારિયાધાર વાયા પાડરશીંગા માર્ગની હાલત દિનપ્રતિદિન ખરાબ થતી જાય છે. આ માર્ગની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે વાહનોના સ્પેરપાટ્‌ર્સ ઢીલા પડી જાય છે અને લોકોના હાડકાં તૂટી જવાની સ્થિતિ સર્જાય છે. આ માર્ગના રિસરફેસિંગ માટે મંજૂરી મળી હોવાની વાતો છે, પરંતુ કામ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ માહિતી મળતી નથી. લોકોમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારના ધારાસભ્ય અને અન્ય પદાધિકારીઓ વિકાસના મોટા-મોટા દાવા કરે છે, પરંતુ આ માર્ગની દયનીય સ્થિતિ પરથી સ્પષ્ટ થાય છે કે વિકાસના તેમના દાવાઓ ખોટા છે. આ માર્ગ પરથી એકવાર કલેક્ટર કે વાહનવ્યવહાર મંત્રીને ચલાવવા જોઈએ જેથી તેમને લોકોની મુશ્કેલીઓનો અનુભવ થાય. દામનગરથી હજીરાધાર-ધામેલ તરફ જવાનો માર્ગ પણ ખૂબ જ ખરાબ હાલતમાં છે. આ વિસ્તારના ધારાસભ્ય સમયાંતરે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં આવતા રહે છે, પરંતુ આ માર્ગની સ્થિતિ સુધારવા માટે કોઈ પગલાં લેતા નથી. આવા માર્ગોના કારણે સ્થાનિક લોકોને દરરોજ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.