રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા તેલુગુ અભિનેતા બોબી સિમ્હાની કાર ચેન્નાઈના આલંદુર વિસ્તારમાં અનેક વાહનો સાથે અથડાઈ હતી, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. બોબીના ડ્રાઈવર પુષ્પરાજ દ્વારા ચલાવવામાં આવતી કાર એક્કાડુથંગલથી ચેન્નાઈ એરપોર્ટ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો.
ચેન્નાઈ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે કાર અલંદુર મેટ્રો સ્ટેશન નજીક કાઠીપારા ફ્લાયઓવર પરથી નીચે ઉતરી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝડપથી આવતી કારે કાબુ ગુમાવ્યો અને ત્રણ મોટરસાયકલ, બે ઓટોરિક્ષા અને બીજી એક કારને ટક્કર મારી. અકસ્માત સમયે બોબી સિમ્હા કારમાં હાજર નહોતા.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણ ઘાયલ મોટરસાઇકલ સવારોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. કોઈ ગંભીર ઈજાઓ થઈ ન હતી. દરમિયાન, અભિનેતાના ડ્રાઇવર પુષ્પરાજની બેદરકારી અને નશામાં વાહન ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તેની સામે બેફામ વાહન ચલાવવા, નશામાં વાહન ચલાવવા અને બેદરકારીથી ઈજા પહોંચાડવાના આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે કારમાં અન્ય કોઈ ઉલ્લંઘનો હતા કે કેમ, જેમાં અયોગ્ય દસ્તાવેજા હતા કે કાર સંબંધિત માન્ય વીમાનો અભાવ હતો.
બોબી સિમ્હાએ હજુ સુધી આ ઘટના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેમને જીગરથંડા (૨૦૧૪) માં તેમની ભૂમિકા માટે રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી અને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો. કામની વાત કરીએ તો, અભિનેતા છેલ્લે કમલ હાસનની ફિલ્મ ઈન્ડીયન ૨ માં જાવા મળ્યો હતો, જ્યાં તેણે સીબીઆઈ અધિકારી પ્રમોદ કૃષ્ણસ્વામીની ભૂમિકા ભજવી હતી. આંધ્ર પ્રદેશમાં જન્મેલા, સિમ્હાએ પિઝા, સૂધુ કવવુમ, નેરમ, બેંગ્લોર નટક્કલ અને થિરુટ્ટુ પાયલ ૨ માં અભિનય કરીને તમિલ ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી. તે ઘણી તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ દેખાયો છે.