ગરીબો-સ્થાનિક ગરીબોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતું સાથેની યોજના પણ હવે ભ્રષ્ટાચારી નેતાઓ માટે કમાણીની યોજના બની રહી છે. સત્તાના જારે મંત્રીપુત્ર, પરિવારજનો અને ભ્રષ્ટ અધિકારીએ મીલીભગતથી દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ આચર્યું છે. જેમાં મંત્રીપુત્રની એજન્સીને ૧૦૦ કરોડ રૂપિયા નહીં, પરંતુ ૨૫૦ કરોડ રૂપિયા ચૂકવાયાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. નવાઈની વાત તો એછે કે, સ્થળ પર કામો થયા નથી. તેમ છતાંય લાખો કરોડોના બિલો ચૂકવી દેવામાં આવ્યાં છે. આ સમગ્ર કૌભાંડની તપાસ માટે રાજ્ય સરકાર તપાસ કમિટીની રચના કરે તેવી માંગ ઊઠી છે.
દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના હેઠળ તળાવ ઊંડા કરાયાં છે. આજ વિસ્તારમાં ગટર ઉપરાંત આરસીસીના માર્ગો, ચેકડેમ પણ બનાવાયા છે. નાણાંપચ અને એટીવીટી હેઠળ વિવિધ વિકાસના કામો કરવામાં આવ્યા છે. આ બધાય કામોનો રાજ કન્ટ્રકશનને આપવામાં આવ્યો છે. આ માનીતી એજન્સીના માલિક એક મંત્રીના પુત્ર છે. વર્ષ ૨૦૨૦થી માંડીને વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં રાજ કન્સ્ટ્રકશનના માલિક બળવંત ખાબડના ખાતામાં ૨૧૧ કરોડ રૂપિયા ચૂકવાયાં છે. જ્યારે હજુ ૨૦ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. આ ઉપરાંત રાજ ટ્રેડર્સના ખાતામાં ૪૨ કરોડ રૂપિયાનું પણ ચુકવણુ થયુ છે.
આ સમગ્ર કૌભાંડ મામલે મુખ્યમંત્રીને પત્ર લખી વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ તપાસ કમિટી રચવા માંગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ‘ગરીબ-શ્રમિકોને રોજગારી મળે, ગામડામાંથી સ્થળાંતર અટકે તે મનરેગા યોજના ભાજપના રાજ્યમાં કમાણીની યોજના બની રહી છે. સત્તાના જારે ભ્રષ્ટ અધિકારીઓની મેળાપિપણાંથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સ્થળ પર કામો થયાં નથી તેમ છતાંય લાખો રૂપિયા કેવી રીતે ચૂકવી દેવાયા એ સવાલ છે. મહ¥વની વાત તો એછે કે, મંત્રીના પરિવારજનોએ ભ્રષ્ટાચાર આચર્યો છે, તેના પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ છે. ત્યારે સરકાર કેમ તપાસ કરાવતી નથી એ શંકાને પ્રેરે છે.