રાજધાની દિલ્હી ફરી એકવાર ગોળીબારના અવાજથી ધ્રૂજી ઉઠી છે. શુક્રવારે સવારે દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ ફોર્ચ્યુનર કારમાં મુસાફરી કરી રહેલા એક પ્રોપર્ટી ડીલરની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઘટના બાદ વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા.
મળતી માહિતી મુજબ, હુમલાખોરોએ કારને નિશાન બનાવીને ૮ થી ૧૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું. ગંભીર રીતે ઘાયલ થયેલા ડ્રાઇવરને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રોપર્ટી ડીલર હોવાનું બહાર આવ્યું છે. મૃતકનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસે કેસ નોંધ્યો છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે. ઘટના સમયે પ્રોપર્ટી ડીલર ફોર્ચ્યુનરમાં બેઠો હતો. આ દરમિયાન અચાનક આવેલા બદમાશોએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો.
ઘટનાની માહિતી મળતા જ દિલ્હી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. હાલમાં હત્યા પાછળનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ શરૂઆતની તપાસમાં દુશ્મનાવટની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ગુનેગારોને શોધવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો છે કે આ મામલો ટૂંક સમયમાં ખુલશે.
કહેવામાં આવી રહ્યું છે કે અચાનક ગોળીબારની આ ઘટના બાદ ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. જાકે, પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ભીડ વિખેરાઈ ગઈ હતી. પોલીસ આ મામલાની અનેક પાસાઓથી તપાસ કરી રહી છે. ગોળીબાર કરનારા ગુનેગારો કેટલા સમયથી પ્રોપર્ટી ડીલરની જાસૂસી કરી રહ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. હકીકતમાં, જે રીતે ગુનો આચરવામાં આવ્યો છે, તે જાતાં એવું માનવામાં આવે છે કે ગુનેગારોએ તેની સંપૂર્ણ યોજના બનાવી હતી.