વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ દિલ્હીમાં રાજકીય ગરમાવો જાર પકડ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે મોટી જાહેરાત કરતા કહ્યું કે દિલ્હીના ઓટો ડ્રાઈવરોને ૧૦ લાખ રૂપિયાનો જીવન વીમો આપવામાં આવશે. આ ઉપરાંત દીકરીના લગ્ન પર ૧ લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે.
તેમણે કહ્યું, “જો દિલ્હીમાં અમારી સરકાર બનશે તો સરકાર ઓટો ડ્રાઈવરની દીકરીના લગ્ન માટે ૧ લાખ રૂપિયા આપશે. ઉપરાંત, હોળી અને દિવાળી પર વર્ષમાં બે વાર ગણવેશ માટે તેમને ૨૫૦૦ રૂપિયાની અલગથી રકમ આપવામાં આવશે. આ સિવાય સરકાર તેમના બાળકોની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.ઓટો ડ્રાઈવરો માટે વીમાની જાહેરાત કરતા પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે દિલ્હી સરકાર ઓટો ડ્રાઈવરોને ૧૦ લાખ રૂપિયાનો જીવન વીમો પણ આપશે. આ સિવાય તેમને ૫ લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપવામાં આવશે. તેમણે કહ્યું કે આપ સરકાર ઓટો ડ્રાઈવરો સાથે ઉભી છે, ઉભી છે અને હંમેશા ઉભી રહેશે.
તેમણે કહ્યું કે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે ફરી દિલ્હીમાં અમારી સરકાર બનશે ત્યારે આ બાબતોને લાગુ કરવામાં આવશે. ઓટો ડ્રાઇવરો ખૂબ ગરીબ છે. જ્યારે તેઓ તેમની પુત્રીઓના લગ્ન કરે છે, ત્યારે તેઓ પીડાય છે. હવે કોઈપણ ઓટો ડ્રાઈવરની દીકરીના લગ્ન થશે તો તેને સરકાર તરફથી ૧ લાખ રૂપિયા આપવામાં આવશે.
ઓટો ડ્રાઈવરો માટે યુનિફોર્મની કિંમતનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું કે ઓટો ડ્રાઈવરો માટે યુનિફોર્મ પહેરવો ફરજિયાત છે. તેમના માટે યુનિફોર્મ બનાવવો મુશ્કેલ બની જાય છે. તેથી, વર્ષમાં બે વખત (હોળી અને દિવાળી), સરકાર ગણવેશ બનાવવા માટે પ્રત્યેકને ૨૫૦૦ રૂપિયા આપશે.