દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર માટે હીટ વેવ એલર્ટ જારી કર્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ચંદીગઢ અને પંજાબ સહિત ઉત્તરીય મેદાનોના મોટાભાગના ભાગોમાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે.
આઇએમડીએ મુંબઈ અને તેના પડોશી જિલ્લાઓ – થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ માટે યલો એલર્ટ જારી કર્યું છે, જેમાં ૧૦ એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું હવામાન ચાલુ રહેવાની ચેતવણી આપવામાં આવી છે. ડોક્ટરોએ રહેવાસીઓને ચેતવણી આપી છે કે આવી ભારે ગરમીના સંપર્કમાં આવવાથી હળવા ફોલ્લીઓ, વધુ પડતા પરસેવાને કારણે સ્નાયુઓમાં ખેંચાણ અને હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડા. નરેશ કુમારે જણાવ્યું હતું કે, “અમે દિલ્હી-એનસીઆરમાં આગામી બે દિવસ માટે ગરમીની ચેતવણી જારી કરી છે. ૧૧ એપ્રિલે હળવો વરસાદ થવાની સંભાવના છે. ઉત્તરપશ્ચિમ ભારતના અન્ય ભાગો જેમ કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ૧૦ એપ્રિલ સુધી ગરમીની સ્થિતિ ચાલુ રહેશે, ત્યારબાદ વરસાદની અપેક્ષા છે.”
ઉત્તર ભારતમાં લોકો સૂર્યની તીવ્ર ગરમીથી પરેશાન છે, ત્યારે દક્ષિણ ભારત અને ઉત્તરપૂર્વમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, કેરળ, તેલંગાણા, કર્ણાટક, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં ૧૨ એપ્રિલ સુધી વાવાઝોડા સાથે હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન, ઘણી જગ્યાએ ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. આજે બિહારના ઘણા જિલ્લાઓમાં હળવા વરસાદ સાથે કરા પડવાની શક્યતા છે.
હવામાન વિભાગે પણ ૧૨ એપ્રિલ સુધી બેંગલુરુમાં વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસમાં ઓડિશાના મોટાભાગના ભાગોમાં વાવાઝોડાની શક્યતા છે, આઇએમડીએ રાજ્યના અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કર્યું છે. રાયગઢ, કોરાપુટ, મયુરભંજ અને કાલાહાંડીમાં ભારે વરસાદની સંભાવના છે.