(૧) જીવન રૂપી કરંડિયામાં આપે હુંપદ, વ્યસન, આળસ, વાઈડાઈ, સંગ્રહી શા માટે રાખ્યા છે ?
ડાહ્યાભાઈ આદ્ગોજા(લીલિયા મોટા)
આજુબાજુમાં ક્યાંય ભાગવત સપ્તાહ બેઠી છે કે ટીવી પર ભૂલથી ધાર્મિક ચેનલ જોવાઈ ગઈ છે?
(૨) દિલ હૈ કી માનતા નહીં…કેમ ?
જીગર આહીર (દાત્રાણા- પાટણ)
જવાબ એ ગીતમાં જ છેઃમૈ જાનતા હી નહી!
(૩) પૂજાપાઠ સમયે બગાસું આવે તો શુ કરવું?
કટારીયા આશા હિમ્મતભાઇ (કીડી)
પહેલા નિરાંતે બગાસાં ખાઇ લેવા પછી પૂજાપાઠમાં બેસવું.
(૪) પૈસા કમાવા ધંધો કરવો કે રાજકારણમાં આવવું?
શંભુ ખાંટ ’અનિકેત’ (પાટયો અરવલ્લી)
આમાં જવું હોય તો પૈસા ગુમાવવાની પણ તૈયારી રાખશો.
(૫) ચાંદા મામા તો છે પણ મામી ક્યાં?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
મળવા ગયા છે.
(૬) આ ટેરિફનું શું કરવું?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
તારિફ.
(૭) તમાકુવાળા મસાલાને ઘણાં લોકો માવો શાં માટે કહે છે?
યોગેશભાઈ આર જોશી (હાલોલઃજિ.પંચમહાલ)
કારણ કે મસાલો માગે તો ઘણા વેપારી ચામાં નાખવાનો મસાલો આપી દે છે.
(૮) તમારા મતે મધ્યમ વર્ગ કોને કહેવાય?
વર્ષાબેન પંપાણીયા (રાજુલા)
જે રોજ સવારે અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા જવાની વાતો કરે અને સાંજે નજીકની હનુમાનદાદાની દેરીએ જઈને દર્શન કરી આવે એ.
(૯) પત્ની સાથે ફોટો પડાવતી વખતે ફાંદ અંદર ખેંચીને ઊભા રહીએ તો ચાલે ?
કનુભાઈ પરમાર (દામનગર)
એમાં કુપોષણથી પીડાતા હો એવું લાગશે. શક્ય હોય તો પાસપોર્ટ સાઈઝના ફોટાથી ચલાવો.
(૧૦) મામાનું ઘર કેટલે દિવો બળે એટલે આનો અર્થ શું થાય ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
એનો અર્થ એમ કે મામા સાવ દેશી છે અને હજુ લાઈટ વાપરતા નથી.
(૧૧) અજબ અને ગજબ વચ્ચે શું તફાવત હશે!?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ)
તમે ગજબ જવાબ મળશે એવી આશાએ અજબ પ્રશ્ન પૂછ્યા કરો છો અને હું ક્યારેક અજબ સવાલ આવશે એવી આશાએ ગજબ જવાબ આપ્યા કરું છું. બસ આજ અજબગજબ!
(૧૨) સાહેબ..! પ્રજ્ઞાચક્ષુ રાતે સૂઈ જાય પછી એને સવારમાં ખબર કેમ પડે કે સવાર થઈ ગયુ..!
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
એમના માટે ભગવાને કૂકડાની વ્યવસ્થા કરી છે!
(૧૩) એક પ્રકાશ બી. દવે નામના બીજા પણ લેખક છે. તમે નામ આગળ ડા. લખ્યું પણ એ ડોક્ટર થશે ત્યારે તમે શું કરશો?
વાસુદેવભાઈ સોઢા (અમરેલી)
તમારી ચિંતા વાજબી છે પણ એ ડોક્ટર થશે ત્યાં સુધીમાં હું બીજીવાર પીએચ.ડી. કરીને ડા.ડા. લખવા માંડીશ!
(૧૪) બોલે એના બોર વેચાય અને ન બોલવામાં નવ ગુણ… આવી ડબલ કહેવત કેમ છે?
ભાવિકા પરમાર (ધિણોજ)
એક કહેવત પતિ માટે અને બીજી પત્ની માટે છે. હવે પાછું એમ ન પૂછતા કે કઈ કહેવત કોના માટે છે?!
(૧૫) તમારા ઘરેથી કોઈ સવાલ પૂછે તો એમને રાહ જોવી પડે છે કે તરત જવાબ આપી દયો છો?
એકતા અક્ષય મેરુલિયા (ભાવનગર)
એ પૂછે એ પહેલા જ જવાબ આપી દઉ અને પછી હું સવાલની રાહ જોયા કરું!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..