રાધનપુર-મહેસાણા રોડ જેવા પોશ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ મળતા ચકચાર મચી ગઈ છે. દિવાળી ટાણે મહેસાણા શહેરમાં પણ કોઈ ડ્રગ્સ મંગાવતું હોય અને ડ્રગ્સ વેચાતું હોય તે ખૂબ ચોંકાવનારી બાબત છે. મહેસાણાના ખૂબ ટ્રાફિક વાળા અને રહેણાંક તેમજ ખાણીપીણી અને શોપિંગથી ધમધમતા રાધનપુર રોડ પરથી એક શખ્સ ડ્રગ્સ સાથે ઝડપાયો છે.
મહેસાણા તાલુકા પોલીસને મળેલી બાતમીને આધારે મહેસાણા રાધનપુર રોડ પર આવેલ મંગલ દર્શન ફ્લેટ પાસે એક શખ્સ બાઈક લઈને ડ્રગ્સ વેચવા ઉભો હોવાથી પોલીસ સ્થળ પર પહોંચી હતી. રાધનપુર રોડ પર મંગલ દર્શન એપાર્ટમેન્ટ પાસેથી ૨ ઝીપ લોક પાઉચમાં ડ્રગ્સ લઈને ઉભેલા શખ્સની તલાશી લેતા જ આ શખ્સ ઝડપાઈ ગયો હતો. જેની પાસેથી રૂપિયા ૨.૮૬ લાખનું ૨૮.૬૬ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળ્યં૫ હતું.
પકડાયેલ આરોપી સિંધી ડફેર કાદરખાન વલી મહંમદખાન છે. જેની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, પંદર દિવસ પહેલા આ શખ્સ અજમેર જઈ રીક્ષા વાળા પાસેથી એમડી ડ્રગ્સ લાવ્યો હતો. મહેસાણાના સિકંદર હારુન સિંધી ડફેર, લશ્કરી કુવા મહેસાણા વાળા પાસેથી પણ ડ્રગ્સ મંગાવ્યું હતું. તો વળી અમરીશ પટેલ નામના મહેસાણાના શખ્શને ડ્રગ્સ આપવાનું હોવાની પણ માહિતી ખુલી હતી. બાકીના બંને આરોપીઓની શોધખોળ ચાલુ છે.
દિવાળી ટાણે મહેસાણામાંથી ડ્રગ્સ મળતા પોલીસ પણ સતર્ક થઈ છે. મહેસાણામાં તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ પકડાયું હોય એવી કદાચ પહેલી ઘટના હશે. ખાસ તો દિવાળી ટાણે ડ્રગ્સ પકડાવું અને એ પણ મહેસાણાના શખ્સે મંગાવ્યું હોવાની તપાસમાં નીકળેલી વિગતો પણ મોટી વાત છે. મહેસાણા પોલીસે એલર્ટ થઈ હાલમાં કરેલી કાર્યવાહી બાદ હવે ડ્રગ્સ મંગાવનાર અને ડ્રગ્સ વેચનાર અજમેરના શખ્સની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.