મુંબઈ,દિલ્હી,ગોવાની ટિકિટના ભાવમાં ધરખમ ઘટાડો
અમદાવાદ,તા.૦૧
સામાન્ય રીતે દિવાળી વેકેશનમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ સેક્ટરની ફ્લાઈટો હાઉસફૂલ થઈ જતી હોય છે અને ભાડાં પણ બેથી ત્રણ ગણા બોલાતા હોય છે. પરંતુ આ વખતે પ્રથમ વાર એવું બન્યું છે કે, દિવાળીમાં જ મોટાભાગની ફ્લાઈટોમાં પેસેન્જરની સંખ્યામાં ૨૦થી ૩૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. કોરોના કાળ પછીના બે વર્ષમાં ડોમેસ્ટિક ફ્લાઈટમાં પેસેન્જરમાં સતત વધારો થયો હતો. જો કે, આ વખતે આ ટ્રેન્ડ બદલાયો છે. ટૂર ઓપરેટરોના જણાવ્યા અનુસાર, ૧૫ દિવસ પહેલાં કોચી, શ્રીનગર, ગોવા જેવા હોટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ફ્લાઈટના ભાડાં ૧૫થી ૨૦ હજાર સુધી પહોંચી ગયા હતા. પરંતુ અત્યારે મોટાભાગના ડોમેસ્ટિક રૂટ પર ૫થી ૭ હજાર ભાડામાં ટિકિટ મળે છે. મુંબઈ, દિલ્હી અને ગોવા રૂટ પર પણ ભાડાં નીચા આવી ગયા છે. સામાન્ય પણે દિવાળીના દિવસોમાં દુબઈનું ભાડું ૫૦ હજારને પાર કરી જતું હોય છે પણ અત્યારે ૨૮ હજારમાં રિટર્ન ફ્લાઈટ મળી રહી છે. ટૂર ઓપરેટરોએ વિવિધ એરલાઈન પાસેથી એડવાન્સ સીટના બ્લોક લીધા હતા પણ હવે છેલ્લી ઘડીએ ઓછા ભાવે વેચવા કાઢ્યા છે.