(એ.આર.એલ),મુંબઇ,તા.૨૯
દિવાળી પહેલા આતંકી હુમલાની ધમકીએ દેશભરની સુરક્ષા
એજન્સીઓને એલર્ટ કરી દીધી છે. દિવાળીના અવસર પર આતંકવાદીઓના નિશાને અયોધ્યાનું રામ મંદિર, ઉજ્જૈનનું મહાકાલ મંદિર અને તિરુપતિનું ઈસ્કોન છે. પોલીસને ઈમેલ અને પત્રો દ્વારા મંદિરો પર આતંકવાદી હુમલાની ધમકીઓ મળી છે, જે બાદ મંદિરોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મંદિરમાં આવનાર દરેક ભક્તની સુરક્ષાને અનેક સ્તરોમાં તપાસવામાં આવી રહી છે. નાનામાં નાની શંકાસ્પદ વસ્તુ જપ્ત કરવામાં આવી રહી છે. સીસીટીવીની મદદથી મંદિરોની અંદર અને બહાર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.અયોધ્યામાં બે દિવસ પછી રોશનીનો તહેવાર છે. ૫૦૦ વર્ષ બાદ અયોધ્યામાં પોતાના ઘરે પરત ફરેલા ભગવાન રામલલા દીપોત્સવ ઉજવશે. આ પહેલીવાર હશે જ્યારે રામલલા પોતાના ઘરે દિવાળી ઉજવશે. આ પળના સાક્ષી બનવા માટે દુનિયાભરમાંથી ભગવાન રામના ભક્તો છોટી દિવાળી પર અયોધ્યા પહોંચી રહ્યા છે. લાખો લોકો પ્રકાશના ભવ્ય ઉત્સવના સાક્ષી બનશે, આ માટે છેલ્લી ઘડીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રોશનીના ભવ્ય ઉત્સવ પહેલા રામ મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. પરંતુ આ ઘટના વચ્ચે સુરક્ષા એજન્સીઓ ધમકીઓ અને હુમલાના ડરથી ઊંઘ ગુમાવી રહી છે. તેનું સૌથી મોટું કારણ દેશભરના મંદિરોને મળી રહેલી ધમકીઓ છે.દરમિયાન, અયોધ્યા પોલીસે રફીક નામના વ્યક્તની ધરપકડ કરી છે જેની પાસેથી વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો છે. જા કે તેની પાસેથી મળી આવેલા વિસ્ફોટકનો ઉપયોગ સામાન્ય રીતે ફટાકડા બનાવવા માટે કરવામાં આવે છે, પરંતુ એજન્સીઓ કોઈને હળવાશથી લઈ રહી નથી. આને ધ્યાનમાં રાખીને, રોશની પર્વ પહેલા અયોધ્યાની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. પોલીસ, પીએસી, યુપી એટીએસ, યુપી એસટીએફ, સ્પેશિયલ કમાન્ડો ફોર્સ અને પેરા મિલિટરી, આરએએફના જવાનો અયોધ્યાના દરેક ખૂણા પર તૈનાત છે.
અયોધ્યાની જેમ ઉજ્જૈનના મહાકાલ મંદિરની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે, અહીં પણ મંદિર પર આતંકી હુમલાનો ખતરો છે. રાજસ્થાનના હનુમાનગઢ રેલ્વે સ્ટેશનના સુપરિન્ટેન્ડેન્ટને એક પત્ર મળ્યો છે જેમાં ૩૦ ઓક્ટોબર અને ૨ નવેમ્બરે મહાકાલ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર વ્યÂક્તએ પોતાને જૈશ-એ-મોહમ્મદનો એરિયા કમાન્ડર ગણાવ્યો છે. આ સાથે રાજસ્થાનના અનેક મંદિરો પણ તેના નિશાના પર છે.
આતંકવાદી હુમલાની ધમકી મળ્યા બાદ મહાકાલ મંદિરની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી છે. મંદિરના કંટ્રોલ રૂમમાંથી મંદિરના દરેક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. મંદિરમાં આવનારા લોકોને કડક સુરક્ષા તપાસ બાદ જ અંદર જવા દેવામાં આવે છે.
તિરુપતિના તિરુમાલા દેવસ્થાનમમાં સતત આતંકી હુમલાની ધમકીઓ મળી રહી છે. રવિવારે તિરુપતિના ઈસ્કોન મંદિરને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. ઈમેલ મોકલનારએ ધમકી આપી છે કે ૈંજીંજીના આતંકવાદીઓ મંદિરને ઉડાવી દેશે, ત્યારબાદ મંદિર પ્રશાસને પોલીસમાં ફરિયાદ નોંધાવી. માહિતી મળતાની સાથે જ તિરુપતિ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મંદિરની શોધખોળ હાથ ધરી હતી. સ્થાનિક પોલીસે વિસ્ફોટકોની તપાસ માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કવોડને પણ બોલાવી હતી. મંદિરના દરેક ખૂણે તપાસ કરવામાં આવી હતી, જા કે, મંદિર પરિસરમાંથી કોઈ વિસ્ફોટક અથવા વાંધાજનક સામગ્રી મળી ન હતી.
તમને જણાવી દઈએ કે છેલ્લા ૩-૪ દિવસથી તિરુપતિની હોટેલો, મંદિરો અને એરપોર્ટ પર ધમકીભર્યા ઈમેલ આવી રહ્યા છે, જે બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓએ ગભરાવાની જરૂર નથી. તપાસ દરમિયાન કંઈ મળ્યું નથી, પોલીસ દ્વારા જે ઈમેલ મળી આવ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે. દિવાળી પહેલા મંદિરોને મળી રહેલી આ ધમકીઓને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. તે જ સમયે, ધમકીભર્યા ઇમેલ અને પત્રો મોકલનારાઓને પણ શોધી કાઢવામાં આવી રહ્યા છે કારણ કે નાની ભૂલ પણ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપી શકે છે.