દિશા સાલિયાન પર ગેંગ રેપ થયેલો ?
દિશા સાલિયાનની હત્યા કરાયેલી ?
દિશા પર ગેંગ રેપ-હત્યામાં આદિત્ય ઠાકરે સામેલ છે ?
દિશા સાલિયાન એક્ટર સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર હતી. દિશા સાલિયાનનું ૮ જૂન, ૨૦૨૦ના રોજ મલાડના તેના એપાર્ટમેન્ટના ૧૪મા માળેથી પડી જવાથી મોત થયેલું ને તેના છ દિવસ પછી ૧૪ જૂન ૨૦૨૦ના રોજ સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ પોતાના ફ્‌લેટમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો પછી દિશાના મોતને સુશાંતના મોત સાથે જોડી દેવાયેલું.
દિશા સેલિબ્રિટી નહોતી પણ સુશાંત સેલિબ્રિટી હતો તેથી મીડિયાએ આ કેસને ભરપૂર ચગાવેલો. પોલીસે પહેલાં દિશાએ આપઘાત કર્યો હોવાનું કહેલું પણ પછી દૂર્ઘટનાને દારૂના નશામાં સંતુલન ગુમાવતાં પડી જતાં ગુજરી ગઈ હોવાનો દાવો કર્યો હતો.
ભાજપે આ દાવાને ખોટો ગણાવ્યો હતો. ભાજપના નેતાઓનું કહેવું હતું કે, દિશાની હત્યા કરાઈ છે અને આ હત્યામાં આદિત્ય ઠાકરેની સંડોવણી છે. મહારાષ્ટ્રમાં ત્યારે ઉધ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહાવિકાસ અઘાડીની સરકાર હતી. જ્યારે ભાજપ વિપક્ષમાં હતો તેથી ભાજપના ઈશારે મીડિયામાં એવી સ્ટોરી વહેતી થઈ કે દિશા પર ફિલ્મી પાર્ટીમાં ગેંગ રેપ કરીને નીચે ફેંકીને તેના મોતને આપઘાતમાં ખપાવી દેવાયું હતું. દિશાએ ગેંગ રેપ પછી સુશાંતને ફોન કરીને આપવીતિ કહી દીધી હતી. સુશાંત સિંહ રાજપૂતે દિશા સાથેની ગેંગ રેપની વાતો ટેપ કરી લીધી હતી. આ કારણે સુશાંત જોખમ બની ગયેલો તેથી તેની પણ હત્યા કરી દેવાઈ.
દિશાનાં માતા-પિતાએ આ વાતોને ખોટી ગણાવી હતી.
હવે પાંચ વર્ષ પછી અચાનક, દિશાના પિતા સતિષ સાલિયાને દાવો કર્યો છે કે, દિશાએ આપઘાત નહોતો કર્યો પણ તેની હત્યા થઈ હતી કેમ કે દિશા ૧૪મા માળેથી પડી હોવા છતાં તેના શરીર પર ગંભીર ઈજાનાં કોઈ નિશાન નહોતાં કે લોહી નહોતું નીકળ્યું. સતિષ સાલિયાને આદિત્ય ઠાકરેની સંડોવણીનો આક્ષેપ કરીને તેની ઉલટતપાસની માગ કરી છે. આદિત્ય ઠાકરે, સૂરજ પંચોલી અને ડીનો મોરીયોએ દિશા પર ગેંગ રેપ કર્યો હોવાનો આડકતરો આક્ષેપ પણ કર્યો છે. આ આક્ષેપના પગલે ભાજપ અને ઉધ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચે આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે અને રાજકીય રીતે મામલો ગરમ થઈ ગયો છે.

દિશાનું મોત રહસ્યમય છે.
દિશાના મોત અંગે તપાસ ચાલુ હતી ત્યારે મીડિયામાં એવી સ્ટોરી ફરતી થઈ હતી કે, એક ફિલ્મ સ્ટારની પાર્ટીમાં દિશા પર સામૂહિક બળાત્કાર કરાયો હતો. ગેંગ રેપ પછી હવસખોરોએ દિશાને છોડી દીધેલી. દિશાએ સુશાંતને ફોન કરીને પોતાના પર શું વીતિ છે એ કહ્યું હતું.
દિશા પર રેપ કરનારા બળાત્કારીઓને આ વાતની ખબર પડી ગઈ તેથી દિશાને ઘરે પહોંચીને તેમણે દિશાને ઉપરથી નીચે ફેંકીને મારી નાખી. એ પછી સુશાંતની સતામણી શરૂ થઈ. સુશાંતે દિશાએ જે કંઈ કહ્યું એ બધું ટેપ કરી લીધું હોવાની શંકા હોવાથી સુશાંતને પણ પતાવી દેવાયો એવો દાવો મીડિયાના આ અહેવાલમાં કરાયો હતો. આ અહેવાલ પ્રમાણે સુશાંતના ઘેર આ બધાંએ આગલી રાતે પાર્ટી કરેલી ને તેમાં આદિત્ય ઠાકરે પણ હાજર હતા. આદિત્ય ઠાકરે ત્યારે મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન હતા.
આ વાતોના કારણે દિશાનું મોત રહસ્યમય હતું પણ તેના પર ગેંગ રેપ કરીને હત્યા કરી દેવાયેલી એવું હવે સાબિત કરી શકાય તેમ નથી. તેનું કારણ એ કે, આ વાતને પાંચ વર્ષ થઈ ગયાં છે અને પોલીસ તપાસમાં આ આક્ષેપોને સમર્થન આપે એવું કશું મળ્યું નથી.
આદિત્ય ઠાકરેને સાણસામાં લેવા માટે નરેન્દ્ર મોદી સરકારે સીબીઆઈ પાસે તપાસ કરાવી પણ સીબીઆઈ કશું શોધી નહોતી શકી. તેનું કારણ એ કે, સીબીઆઈ પિક્ચરમાં આવી એ પહેલાં તો દિશાના અંતિમસંસ્કાર સુધ્ધાં થઈ ગયેલા. દિશા પર ગેંગ રેપ કે હત્યાના કોઈ પુરાવા પોલીસે શોધ્યા નહોતા ને સીબીઆઈ કોઈ સાક્ષીને શોધી નહોતી શકી કે જે આ વાતને સમર્થન આપે.
ભાજપમાંથી નારાયણ રાણે અને તેમના દીકરા નિતેશ રાણેએ દાવો કરેલો કે, દિશા પર બળાત્કાર-હત્યાની ઘટનાને નજરે જોનારા સાક્ષીએ એ રાત્રે શું બન્યું તેની વિગતો આપી તેની પેન ડ્રાઈવ પોતાની પાસે છે. જો કે પ્રશ્ન એ છે કે, રાણેએ આ પેન ડ્રાઈવ અત્યાર સુધી સીબીઆઈ કે પોલીસને કેમ ના આપી ? ઉધ્ધવ ઠાકરે સામે બગાવત કરીને એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા પછી દેવેન્દ્ર ફડણવિસે ૨૦૨૩ના નવેમ્બરમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ને દિશા સાલિયાન કેસની તપાસ સોંપી હતી. એસઆઈટી છેલ્લાં સવા બે વરસથી મથ્યા કરે છે પણ આદિત્ય ઠાકરેએ ગેંગ રેપ કર્યો હોય કે મર્ડર કર્યું હોય એવા કોઈ પુરાવા હજુ સુધી તો મળ્યા નથી.
નારાયણ રાણે અને નિતેશ રાણે પાસે આ વાતના પુરાવા હોય તો એ લોકો ક્યા મૂરતની રાહ જોઈને બેઠા છે ?

હવે દિશાના ચારિત્ર્યહનનનો વારો છે.
દિશાનો કેસ પણ સુશાંતની દિશામાં આગળ વધી રહ્યો છે કે જેમાં હોહા બહુ થઈ પણ કશું નક્કર હાથ આવ્યું નહીં. ઉલટાનું સુશાંતની ઈમેજનો કચરો થઈ ગયો. સુશાંતના મોતના કેસમાં પણ રાજકારણીઓ કૂદી પડ્‌યા હતા. મતોની લ્હાયમાં સુશાંતને ‘બિહાર કા બેટા’ બનાવીને બિહારની નીતિશ કુમાર સરકારે બિહાર પોલીસને મુંબઈ પણ મોકલી હતી. બિહાર પોલીસ કશું શોધી શકી નહીં પણ સોશિયલ મીડિયા પર સુશાંતના મોતને મુદ્દે બરાબરનો જંગ જામેલો.
સુશાંતના મોતને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા સગાવાદ અને ડ્રગ્સના દૂષણ સાથે પણ જોડી દેવાયેલું. એવા દાવા પણ કરાયેલા કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર કબજો કરીને બેસી ગયેલાં કેટલાંક લોકોએ સુશાંતને ફિલ્મોમાં નહીં લેવાનું નક્કી કરેલું તેથી હતાશામાં તેણે આપઘાત કરી લીધો. કંગના રાણાવતે તેની શરૂઆત કરી હતી. કંગનાએ સુશાંતના આપઘાત પછી લાંબો વીડિયો મૂકીને સુશાંતને શ્રધ્ધાંજલિ આપી હતી.
સુશાંતની શૈક્ષણિક કારકિર્દી અને બીજી વાતોની સાથે કંગનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કઈ રીતે બહારનાં લોકોને પરેશાન કરાય છે અને હતાશ કરી દેવાય છે તેની વાતો કરીને સુશાંતના મૃત્યુની ઘટનાને તેની સાથે જોડી દીધી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર છ પરિવારોનું વર્ચસ્વ હોવાના દાવા થયા તેમાં સોશિયલ મીડિયા પર સલમાન ખાન, કરણ જોહર વગેરે સામે આક્રોશનો માહોલ થઈ ગયો હતો.
સુશાંતના કેસમાં તેની પ્રેમિકા રીયા ચક્રવર્તીને પણ ટાર્ગેટ કરાઈ હતી.
રીયા ચક્રવર્તી અને તેના પરિવારે સુશાંતના પૈસા ખાઈ લીધાં હોવાના દાવા થયા. એ પછી રીયા ડ્રગ્સ લેતી હતી સહિતની બધી મસાલેદાર વાતો જોરશોરથી ચાલવા માંડી.
સુશાંત પીડિત ને રીયા ચક્રવર્તી આણિ મંડળી વિલન ટોળી હોય એવું ચિત્ર ઉભું કરી દેવાયું હતું. સુશાંત જેવા ભોળા છોકરાને ફોસલાવીને આ ટોળીએ ગેરલાભ લીધો ને છેવટે પતાવી દીધો એવું ચિત્ર મીડિયા ટ્રાયલ દ્વારા ઉભું કરાયું હતું. રીયાની વોટ્‌સએપ ચેટ, ફોન કોલ્સ ને સંબંધોના આધારે રીયા છાકટી બનીને રહેતી હોય એવું ચિતરામણ કરી દેવાયું હતું. રીયાનો ભાઈ, તેની સાથે રહેનારાં બધાં ડ્રગ્સ લઈ લઈને મસ્ત રહેતાં હોય એવી વાતો પૂરજોશમાં ચાલી હતી ને રીયાએ જેલમાં પણ જવું પડેલું.
ટીવી ચેનલોએ કોઈ પણ પ્રકારના પુરાવા વિના સુશાંતને પણ ડ્રગ્સનો એડિક્ટ બનાવી દીધો હતો. સુશાંત પોતે ડ્રગ્સ લેતો હતો એવું ટીવી ચેનલોના સ્ટિંગ ઓપરેશનમાં જ બતાવાયું ને સુશાંત લફરાબાજ હતો એવું પણ બતાવાયું. જાણીતી એક્ટ્રેસના સુશાંત સાથે સંબંધો હતા એવી મસાલેદાર વાતો પિરસાઈ. સુશાંતના જૂના બોડીગાર્ડના ઈન્ટરવ્યૂ ચેનલો પર ચલાવીને સુશાંત ગાંજો પીતો હતો ને ડ્રગ્સ લેતો હતો એવી વાતો પણ ચલાવાઈ.
સુશાંત વિશે એવું જ ચિત્ર ઉભું કરી દેવાયું કે, સુશાંત ડ્રગ્સ ને બીજા ગોરખધંધાનો ભાગ જ હતો.
સુશાંત પહેલાં પીડિત હતો પણ ધીરે ધીરે વિલન બની ગયો.
દિશાના કેસમાં પણ એવું થવાની પૂરી શક્યતા છે.