એક હતો દેડકો. એનું નામ હતું દીપુ. દીપુ નદીકિનારે રહેતો અને રોજ પાણીમાં કૂદકા મારતો. એક દિવસ નદીમાં એક લાકડું તણાતું તણાતું આવ્યું. દીપુએ વિચાર્યું, “લાવને આ લાકડા પર બેસી જાઉં. આ લાકડાની સાથે હું દરિયા સુધી પહોંચી જઈશ!” એ ઝટપટ લાકડા પર ચઢી ગયો અને નદીના પ્રવાહ સાથે દરિયા તરફ રવાના થયો.
લાકડું નદીમાં તણાતું તણાતું ધીમે ધીમે દરિયા સુધી પહોંચી ગયું. લાકડા સાથે દીપુ પણ દરિયામાં પહોંચ્યો. દીપુએ જોયું તો દરિયો વિશાળ હતો ! ઊંડો હતો! દરિયાનાં લહેરાતાં મોજાં જોઈ દીપુ રોમાંચિત થઈ ગયો. દરિયાનાં ઉછળતાં ને ઘૂઘવાટા કરતાં મોજા જોઈ દીપુને દરિયામાં જવાની તાલાવેલી જાગી.
તણાતા લાકડાના સહારે એ દરિયામાં વધુને વધુ અંદર પહોંચ્યો. એને તો વિશાળ દરિયામાં ફરવાની મજા પડી. આજ સુધી નાનકડી નદીમાં રહેતો ને રમતો દીપુ હવે વિશાળ દરિયાની વચ્ચે પહોંચી ગયો હતો. અચાનક એક માછલીએ માથું બહાર કાઢ્યું અને પૂછ્યું, “તું કોણ છે? આ વિશાળ દરિયામાં તું શું કામ આવ્યો છે? તને ડર નથી લાગતો?” દીપુએ હસીને કહ્યું, “હું દીપુ, હું દીપુ દેડકો છું! દરિયો જોવા આવ્યો છું.” માછલીએ કહ્યું, “સાવધાન રહેજે, અહીં મોટી મોટી માછલીઓ છે!” થોડીવારમાં એક ડોલ્ફિન આવી. અચાનક આવી ચડેલી ડોલ્ફીન જોઈ દીપુ ડરી ગયો. ડોલ્ફિને કહ્યું, “ગભરાઈશ નહીં, હું તારી મિત્ર છું. હું તને જરૂર દરિયાની સફર કરાવીશ!” ડોલ્ફિનની વાત સાંભળી દીપુ રાજીરાજી થઈ ગયો. દીપુ ડોલ્ફિનની પીઠ પર સવાર થઈ ગયો અને દરિયામાં ફરવા લાગ્યો. દરિયાની સફરનો રોમાંચ જ કંઈક જુદો હતો. દરિયામાં રંગબેરંગી નાની-મોટી માછલીઓ, કરચલા અને કાચબા જોઈ દીપુના આનંદનો પાર નહોતો. દીપુને બધું જાદુઈ અને સ્વપ્ન જેવું લાગ્યું.
અચાનક દરિયાનાં મોજાં ઊછળવા લાગ્યાં. જોરથી પવન ફૂંકાવા લાગ્યો. દીપુ ડરી ગયો. ડોલ્ફિને કહ્યું, “દીપુ, તું જરાય ન ડરીશ. હું છું ને! તું મારી પીઠ બરાબર પકડી રાખજે. હું હમણાં જ ફટાફટ તને દરિયામાંથી બહાર લઈ જાઉં છું.” ડોલ્ફિન તો સરરર… સરરર. કરતી દરિયામાં દોડવા લાગી. ઘડીભરમાં દીપુને દરિયાકિનારે પહોંચાડી દીધો. ડોલ્ફિને તેને નદીના મુખ સુધી પાછો પહોંચાડી દીધો. દીપુએ કહ્યું, “આભાર, મિત્ર! હું ફરી જરૂર આવીશ.”
પાછા નદીએ પહોંચીને દીપુએ પોતાના મિત્રોને દરિયાની રોમાંચક સફરની વાત કરી. બધા આશ્ચર્યથી સાંભળતા રહ્યા અને વિચારવા લાગ્યા કે એક દિવસ તેઓ પણ દરિયાઈ સફર કરશે.
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭