દિવાળીના શુભ અવસરે પ્રભુ પરમાત્મા સમગ્ર વિશ્વને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને માનવતાના દીવડા જીવંત રાખવાની શ્રદ્ધા અને સમજણ આપે તે જ અપેક્ષા વ્યક્ત કરું છું. દીપોત્સવ પર્વ એ હિન્દુ સનાતન સંસ્કૃતિનો અનન્ય તહેવાર છે. અજ્ઞાનથી જ્ઞાન તરફ, અંધારાથી અજવાળા તરફ તેમજ આપત્તિથી અવસર તરફ લઈ જતો દીપોત્સવ પર્વ સમગ્ર વિશ્વનો પ્રકાશ ઉત્સવ છે. નવા વર્ષે નવા સંકલ્પો, નવી ઊંચાઈ અને નવા આદર્શો સાથે મૂલ્યલક્ષી જીવન જીવવાની કલા દીપોત્સવ થકી કેળવીશું. સારા મનુષ્ય તરીકે સમાજમાં શુભ સંદેશ આપવાનો તહેવાર છે. પારિવારિક ભાવના
સમૃદ્ધ અને સુદૃઢ બને તેવા કાર્યો તરફ નવા વર્ષથી પ્રસ્થાન કરવાની ભાવના સ્થાપિત કરતો પર્વ એટલે દીપોત્સવ.
તેલથી ભરેલું કોડિયું જ્યાં સુધી તેની અંદર તેલ હોય છે ત્યાં સુધી અડગ રહીને પ્રકાશ આપે છે. તેમ મનુષ્યની અંદર માનવતાના ગુણો અને આદર્શ સંસ્કારો કંડારેલા હશે ત્યાં સુધી તે કોડિયાની જેમ ઘરમાં અને સમાજમાં પ્રકાશ આપશે જેની અસર ભાવિ પેઢી ઉપર હકારાત્મક અસર પડશે. માતૃભાવના અને પારિવારિક સ્નેહ સંપન્ન કરીને એકતાના તાણાવાણા ઉભા કરવાનો અવસર છે.
પ્રાચીનકાળથી જ આપણા ધર્મગ્રંથોમાં વ્યક્તિનું કલ્યાણ થાય એ વિશે વિસ્તારથી વર્ણન કર્યું છે. પ્રાચીનકાળથી જ તહેવારો ઉજવવાની પરંપરા છે. દરેક તહેવારનું આગવું મહ¥વ છે. બધા જ તહેવારોમાં દિવાળીનો તહેવાર લોકોને ખૂબ જ પ્રિય છે. કાલિદાસે કહ્યું છે કે મનુષ્ય ઉત્સવ પ્રિય છે.
દિવાળીનો તહેવાર એટલે અંધકારથી તેજ તરફ જવાનો તહેવાર. દીવા પ્રગટાવીને ઉજવાતો આ તહેવાર મોટો સંદેશ આપે છે. ‘આત્મ દીપો ભવઃ’ની વાત આપણા ધર્મગ્રંથોમાં વર્ણવી છે. દીવાનું મહત્વ તો છે જ એટલે જ પૂજા અર્ચનમાં કે શુભ પ્રસંગે દીવો પ્રગટાવવામાં આવે છે. દીવો પોતાની જાતને બાળીને બીજાને પ્રકાશિત કરે છે. આપણને પણ આપણા આત્માને ઓળખી દિલમાં દીવો પ્રગટાવીએ અને પોતાના અને અન્યના જીવનમાં તિમિરને નષ્ટ કરીએ. કોઈએ સાચું જ કહ્યું છે કે,”તું તારા દિલનો દીવો થા ને રે. તેમાં જ મઝા છે.”
આપણે આપણાં દિલમાં પ્રેમનો, કરૂણાનો અને ત્યાગનો દીવો પ્રગટાવીએ તો આપણને તો દિવ્ય પ્રકાશ મળશે જ સાથે સાથે બીજાને પણ મળશે. આપણે ત્યાં ” ભ¹ગક્રશ્વ ¹ક્ર રુ²ક્રશ્વબ્ભ°ષ્ટ¹² “ની વાત છે. ઊંડા અંધકારથી પ્રકાશ તરફ જવાનો બોધ છે.
“વ્યોમ દીપ થઈને છોને જગને પ્રકાશું ના, ઝૂંપડીનો દીપક થાઉં ગમે” કોઈના જીવનમાં આપણાં કારણે થોડો પ્રકશ આવે તો પણ જીવન સાર્થક. સૌથી પહેલાં વ્યક્તિએ પોતાની જાતને સુધારવી પડે પછી જ બીજાને સુધારી શકાય. “દિલમાં જો દીવો પ્રગટે તો રોજ દિવાળી બાકી મહાભારત. આપણે આપણા દિલમાં જ્ઞાનનો, સમજ અને શાંતિનો દીવો પ્રગટાવીશુ તો જ બીજાનાં જીવનમાં પ્રકાશ લાવી શકીશું. આ દિવાળીએ આપણે આપણા દિલમાં પ્રેમ, કરૂણા, ત્યાગ જેવા દીવા પ્રગટાવીએ અને બીજાના જીવનમાં પ્રકાશ પાથરીએ તો દિવાળીની સાચી ઉજવણી કરી કહેવાય. અંતમાં દરેકનાં જીવનમાં આ દિવાળીએ માનવતાના દીવા ઝળહળે એવી શુભકામના.
દીપોત્સવ પર્વે ‘સર્વ જન હિતાય.. સર્વજન સુખાય..’ આ ભાવના સર્વ વ્યક્તિઓમાં વ્યાપક બનવી જોઈએ. આજે ભ્રષ્ટાચાર, અનીતિ, ચોરી, પ્રપંચ, દ્વેષ, વ્યભિચાર, વ્હાઈટ ક્રાઈમ, સાયબર ક્રાઇમ, લૂંટફાટ, અન્ય બિનસામાજિક પ્રવૃત્તિ થતી હોય છે તેનું મૂળ કારણ મૂલ્યશિક્ષણ અને ચારિત્રવાન નિર્માણની કેળવણીનો અભાવ. દીપોત્સવ તહેવાર અયોગ્ય માર્ગથી યોગ્ય માર્ગ તરફ જવાની પ્રેરણા આપે છે. સમાજમાં જીવન જીવીએ છીએ તો સારું કાર્ય કરવાથી સમાજ કેળવાય છે. નવું વર્ષ આવશે, નવા સંકલ્પો પણ લેવાશે પરંતુ તેને સિદ્ધ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. લક્ષ અને કર્મને કેન્દ્રસ્થાને રાખી સત્યના માર્ગે આધ્યાત્મિકતાને શ્રેષ્ઠસ્થાને રાખી સારા મનુષ્ય બનવા માટે દિવાળી છે. બાકી દરેકના ઘેર દિવાળી છે. દિવાળી અને દીવાસળીમાં કેટલો ફરક છે એ મનુષ્યએ શોધવાની જરૂર છે!. એક દીવાસળી પુરા વિશ્વને ખાખ અને રાખ કરી શકે છે. આપણે તો એવી દિવાળી કરવાની છે કે જ્યાં અંધારું છે ત્યાં અજવાળું પ્રગટાવવાનું છે.
મારા વાચક વર્ગને નૂતન વર્ષાભિનંદન. આપનું જીવન શ્રેષ્ઠ, પ્રગતિશીલ અને ઉદ્યમી બને તેવી શુભકામનાઓ પાઠવું છું. નવા સંકલ્પો સાથે સમાજ સેવાના કાર્યો કરીએ એ જ સાચી દિવાળી અને ધનતેરસ. મારા સૌ વાચક મિત્રોને વંદન સાથે પ્રણામ કરું છું.
m..૯૮૨૫૭૦૨૨૮૨