અમદાવાદમાં અમદાવાદ મનપા અને નેશનલ બુક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પુસ્તક મેળામાં હિન્દુ વિરોધી લેખકોને બોલાવાયા. તેનાથી ઉહાપોહ થઈ ગયો. આ લેખકોમાં એક છે – વિલિયમ ડેલરિમ્પલ. વિલિયમ ડેલરિમ્પલ મોગલોનું મહિમામંડન કરતો રહ્યો છે. તે મોગલોના હિન્દુઓ પર અત્યાચારને પણ છુપાવતો રહ્યો છે. તેણે જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ હટાવવાનો પણ વિરોધ કર્યો હતો. અને નાગરિકત્વ સુધારા અધિનિયમ (સીએએ)નો પણ વિરોધ કર્યો હતો. એમ કહે છે કે તેણે દિલ્લીમાં અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડાનાલ્ડ ટ્રમ્પના આગમન વખતે જ થયેલાં રમખાણો પર પુસ્તકનું પ્રકાશન અટકાવ્યું હતું. બીજી લેખિકાઓ છે- સેવી કર્નેલ અને કિરણ મનરાલ. આ બંને લેખિકાઓને ‘અંડરકવર હિરોઇન્સઃ રીઇમેજિનિંગ ધ રાલ આૅફ વીમેન’ નામના સત્રમાં બોલવા માટે આમંત્રિત કરાઈ હતી. પરંતુ હિન્દુવાદીઓના રાષ્ટ્રવ્યાપી વિરોધ પછી ચાર ડિસેમ્બરે તેમનું સત્ર રદ્દ કરાયું હતું. કિરણ મનરાલે ટ્‌વીટ કર્યું હતું. હિન્દુત્વમાં ઊછાળાથી શું સ્ત્રીઓ પર વધુ આક્રમણો થશે? કિરણ મનરાલ ‘કારવાં’ નામની હિન્દુ વિરોધી વેબસાઇટ પર પણ લખે છે અને તેનું માનવું છે કે ઇવીએમ હૅક થઈ શકે છે. સર્વોચ્ચમાં ૨૦૧૭થી અત્યાર સુધીમાં એક અંદાજ મુજબ દર ચૂંટણી પહેલાં કે પછી યાચિકાઓ થઈ છે તે જોતાં ૧૬એક પિટિશન થઈ હશે અને તેમાં એવો જ ચુકાદો આવ્યો છે કે ઇવીએમ હૅક થઈ શકે તેમ નથી, ચૂંટણી પંચે પણ આના ઉત્તરો આપ્યા છે. તેમ છતાં કિરણ મનરાલ જેવી લેખિકા કાંગ્રેસનાં જૂઠાણાંને આગળ વધારવાનું કામ કરે છે અને એ લેખિકાનું મહ¥વ વધારવાનું કામ તેને પુસ્તક મેળામાં આમંત્રણ આપીને અમદાવાદ મનપા અને નેશનલ બુક ટ્રસ્ટ કરે છે. હવે કેન્દ્રમાં દસ વર્ષના શાસન અને ગુજરાતમાં ૧૯૯૫થી ન ગણો અને ૧૯૯૮થી ગણો તો, ૨૬ વર્ષના શાસન પછી એમ કહી શકાય તેમ નથી કે બધે ડાબેરીઓ બેઠા છે. નેશનલ બુક ટ્રસ્ટના અધ્યક્ષ પ્રા. સુધાકર મરાઠે સંઘ સંલગ્ન સંસ્થા અભાવિપ (પહેલાં સંઘની સંસ્થાઓનાં નામ આ રીતે લખાતાં અને બોલાતાં, હવે તેનું પણ અંગ્રેજીકરણ થઈ ગયું છે- એબીવીપી કહેવાય છે, વિહિપને વીએચપી.)ના રાષ્ટ્રીય પ્રમુખ હતા. અહીં અમદાવાદ મનપામાં પણ સંઘનિષ્ઠ લોકો જ છે. તો આવી ગડબડ કેમ થાય છે? તેનાં ત્રણ કારણો હોઈ શકેઃ એક તો અધિકારીઓ પર છોડી દેવું. અને લેફ્‌ટ-લિબરલ અધિકારીઓ પોતાની નીચે રાખવા. પોતે તેના પર ધ્યાન ન આપવું કે કોને-કોને આમંત્રણ અપાય છે અને તેમની વિચારધારા શું છે? ભાજપ પાસે તો પોતાના કાર્યકર્તાઓનું પણ વિશાળ નેટવર્ક છે અને સંઘની નીચે સુધીની કેડર પણ છે. ચમચા ન હોય તેવા લોકોને પૂછવામાં આવે તો સાચો અભિપ્રાય મળી જ શકે. પરંતુ એ બધી તસ્દી કોણ લે? પોતાની પાસે તો નરેન્દ્ર મોદી-અમિત શાહ, જે.પી. નડ્ડા-ભૂપેન્દ્ર પટેલ-સી.આર. પાટીલનાં ટ્‌વીટ રિટ્‌વીટ કરવા, બેઠકોમાં ઉપસ્થિત રહેવું, નાનાં-મોટાં ઉદ્‌ઘાટનો કરવાં, વગેરે કામોમાંથી સમય કાઢીને વાંચવાનો સમય ન હોય, પણ જેમની પાસે સમય છે, જેઓ વાંચે છે – લખે છે તેવા લોકોને પૂછવાનોય સમય ન હોય?
આ પહેલી વાર નથી થયું. અગાઉ સંસ્કૃતિ મંત્રાલય હેઠળ આવતી સાહિત્ય અકાદમીએ હિન્દુ પુરાણોની કથાને ‘માઇથાલાજી’ શીર્ષક (એનો અર્થ જ થયો કાલ્પનિક કથા)થી કાલમ લખી તેમાં એજન્ડા ચલાવતા દેવદત્ત પટનાયકને એક પરિસંવાદના ઉદ્‌ઘાટન ભાષણ માટે આમંત્રિત કર્યા હતા. આનો પણ વિરોધ થયો એટલે તે કાર્યક્રમ રદ્દ થયો. જોકે સાહિત્ય અકાદમીએ સતી દ્રૌપદીના કર્ણ અને કીચક પ્રત્યેના વાસનાત્મક ખેંચાણની કાલ્પનિક વાત કહેતા કાવ્ય ‘સૈરન્ધ્રી’ને પુરસ્કારથી પોંખ્યું હતું. ગુજરાતની સાહિત્ય અકાદમીમાં પણ આવું બનતું રહે છે.
મુખ્યત્વે મેઇનસ્ટ્રીમ મીડિયામાં રવિવારે કે બુધવારે પહેલા અને છેલ્લા પાને લખતા લોકોને અને રૂપાળા ચહેરા ધરાવતા લેખકોને સરકારમાં બેઠેલા લોકો લોકપ્રિય ગણી લે છે. પરંતુ હવે સાશિયલ મીડિયાના જમાનામાં આ ગણિત ન ચાલે. સાશિયલ મીડિયામાં કહેવાતા લોકપ્રિય લેખકો- દેવદત્ત પટનાયક હોય કે બીજા બુદ્ધુજીવીઓ, તેમને તર્ક અને તથ્ય સાથે ખોટા પાડવામાં આવી રહ્યા છે. પરંતુ તકલીફ એ છે કે મેઇનસ્ટ્રીમ મીડિયામાં હજુ પણ હિન્દુ વિરોધી લેખકોને જ સ્થાન મળે છે અને પોતે તટસ્થ છે તેવું બતાવવા માટે જો હિન્દુવાદી લેખકોને સ્થાન આપવામાં આવે તો પણ તેમના હાથ બાંધી દેવામાં આવે છે. તેમની કાલમ બુધવારમાંથી રવિવારમાં અને પહેલે પાનેથી અંદર કોઈ ખૂણામાં ફંગોળી દેવામાં આવે છે.
મેઇનસ્ટ્રીમ મીડિયામાં ફિલ્મ જેવી નિર્દોષ વિષયની કાલમમાં પણ ‘ધ સાબરમતી રિપાર્ટ’ની ચર્ચા નથી થતી. ગોધરા કાંડને વિસરાવી દઈ ૨૦૦૨નાં રમખાણો પર જ કેમ આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય મીડિયાએ – એનજીઓએ કાગારોળ મચાવી તેની ચર્ચા કરતો એક લેખ તમને નહીં જોવા મળે. ટ્‌વીટ વીર પત્રકારો અને બુદ્ધુજીવીઓ દ્વારા બાંગ્લાદેશના હિન્દુઓની ચિંતા કરતું એક ટ્‌વીટ જોવા નહીં મળે. સંભલમાં હમણાં સુધી જે હરિ મંદિર તરીકે ઓળખાતું હતું તે જગ્યા જામા મસ્જિદ તરીકે કેમ પંકાઈ ગઈ અને ત્યાં કૂવા પૂજન કેમ બંધ થઈ ગયું તેની વાત કરતો એક ટ્‌વીટ કે લેખ નહીં જોવા મળે, પરંતુ હા, મણિપુરની ચિંતા કરશે. મણિપુરની ચિંતા પણ ત્યારે જ્યારે મૈતેઇ સમુદાય વાંકમાં આવ્યો હતો પરંતુ કૂકી ત્રાસવાદીઓ દ્વારા મૈતેઇઓને બંધક બનાવવાનાં, બાળકને મારી નાખવાનાં કૃત્યો અંગે ચૂપ રહેશે.
તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં એક ગજબ ઘટના બની ગઈ. એક સરકારી બસમાં કોઈ યાત્રી મોબાઇલ પર ટીવી ડીબેટ સાંભળતો હશે. તેમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની ટીકા આવી. બસમાં હાજર કાંગ્રેસી ચમચાએ આ વાત સરકાર સુધી પહોંચાડી. પેલો યાત્રી તો મળે નહીં કારણ કે રેલવેની જેમ સરકારી બસમાં નામ-ઠેકાણા સાથે ટિકિટ બુક થતી નથી. એટલે પછી બસ ડ્રાઇવર અને કંડક્ટર સામે નાટિસ કાઢવામાં આવી !
આની સામે હોબાળો થતાં નાટિસ પાછી ખેંચવામાં આવી. હિમાચલ પ્રદેશમાં મુખ્ય પ્રધાન સુખવિન્દરસિંહ સુક્ખુ સીઆઈડી મુખ્યાલયમાં એક કાર્યક્રમમાં ગયા હતા. ત્યાં સમોસા મગાવવામાં આવ્યા હતા. પરંતુ સમોસા મુખ્ય પ્રધાન પાસે પહોંચવાના બદલે સમોસા અદૃશ્ય થઈ ગયા અને તેની તપાસના આદેશ છૂટ્યા.
પંજાબમાં પરાળી સળગાવવાના કારણે પાકિસ્તાનના લાહોરમાં પ્રદૂષણ વધી ગયું. કાર્ટે કહ્યું કે પંજાબમાં અધિકારીઓએ ખેડૂતોને બપોરના બે વાગ્યા પછી પરાળી સળગાવવાની છટકબારી બતાવી કારણ કે ત્યાં સુધીમાં નાસાનો ઉપગ્રહ (સેટેલાઇટ) ભારત પરથી પસાર થઈ જતાં ખેડૂતો પરાળી સળગાવતા હોવાનું સેટેલાઇટમાં તસવીરો ઝડપાતી નથી. કર્ણાટકમાં મુખ્ય પ્રધાનનાં પત્ની પર જમીન કૌભાંડનો આક્ષેપ લાગ્યો.
આ બધી બાબતે કહેવાતા ‘તટસ્થ’ લોકોની કલમની શાહી સૂકાઈ જાય છે.
પણ ભાજપ સરકાર અને તેના અધિકારીઓ માટે તો આ બધા જ તટસ્થ છે. એ બધા જ સાચા પત્રકાર છે. સાચા લેખકો છે જે બાબરને સેક્યુલર ગણાવે છે કારણ કે તેણે ગૌહત્યા પર પ્રતિબંધ મૂક્યો હતો. વાય ક્રામાઝમમાં વાય આલ્ફાબેટ વાંકો હોવાથી પુરુષ પણ સ્વભાવનો વાંકો હોય તેવા વાહિયાત અને અવૈજ્ઞાનિક તર્ક સ્ત્રીઓમાં લોકપ્રિય થવા આપે છે. વિજ્ઞાન કહે છે કે ‘વાય’ નામ હોવાથી રંગસૂત્રનો આકાર અંગ્રેજી મૂળાક્ષર ‘વાય’ જેવો નથી. પણ આવું કહેનારા તો વૈજ્ઞાનિક ! અને તુલસીદાસ ‘જુગ સહસ્ર જોજન પર ભાનુ’ એમ કહીને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કહી દે તો એ વાટ્‌સઍપ યુનિ.ના ગપ્પાં !
શ્રી રામજન્મભૂમિ પર ઢાંચો ૧૯૯૨માં તૂટે અને તેનો બદલો લેવા, જાણે ટાઇમ ટ્રાવેલ થઈ શકતું હોય તેમ ૧૯૯૦માં કાશ્મીરમાંથી પંડિતોને ષડયંત્રપૂર્વક કાઢી મૂકાય ! આમ કહી પંડિતોના નરસંહારને ન્યાયોચિત ઠરાવાય !
વાત આવા ગપ્પાબાજ અને વાહિયાત લેખકોની છે જ નહીં, વાત સરકારની પણ નથી. વાત છે વૈચારિક બાબતોની. જ્યાં જે બાબતોમાં કોઈ તર્ક જ નથી (પૃથ્વી સપાટ છે તેવું કહેનારા) તે બાબતો સામે કોઈ પ્રશ્ન નહીં કરવાનો, તેને વાટ્‌સઍપ યુનિ.નાં ગપ્પાં નહીં કહેવાનાં, પણ હિન્દુ ધર્મને લગતી બાબતો તર્ક સાથે કહેવામાં આવે તો પણ તેને વાટ્‌સઍપ યુનિ.નાં ગપ્પાં કહેવાનાં ! અને તેનું સમર્થન કરનારાઓને વાનર સેના, ભગવી સેના, જડસુ, લપોડશંખ, ટ્રાલ ગેંગ કહેવાની. તેમને ગાંધીજીના નામે ઠપકારવાના, પણ ગાંધીજી શું ગાળોના સમર્થક હતા? નવી-નવી ગાળો શોધીને પોરસાતા હતા?
નવજોતસિંહ સિદ્ધુ કાંગ્રેસી હોય તો તેનું સમર્થન કરવાનું પરંતુ જો તેઓ પોતાનાં સમનામી (નેમસેક) પત્નીને ચોથા તબક્કાના કેન્સરનો ઉપચાર ભારતની પ્રાકૃતિક ચિકિત્સા અને આયુર્વેદના આધારે થયાનું કહે તો તેનું સમર્થન નહીં કરવાનું. તેની સામે ટાટા મેમોરિયલ હાસ્પિટલના ડાક્ટરો તરત જ ટાટા મેમોરિયલના લેટરપેડ પર પત્ર જાહેર કરી આ દાવાને આધારવિહોણો ગણાવે અને સિદ્ધુને પણ કહેવું પડે કે ડાકટરની ટ્રીટમેન્ટ પણ લેવી પડે.
સ્વામી રામદેવની સામે ન્યાયાલયમાં પિટિશન થાય અને મુસ્લિમ જજ અમાનુલ્લાહ ખાન તેમને બબ્બે વાર ક્ષમા છતાં એમ કહે, “અમે તમને ઊભા ચીરી નાખીશું.” પરંતુ ડેટોલ, કાલેગેટ જેવાં વિદેશી ઉત્પાદનોને ઇન્ડિયન મેડિકલ એસો. દ્વારા સર્ટિફાઇડ તરીકે પ્રચારિત કરાય અને તેમાં કોઈ અભિનેતા કે અભિનેત્રીને ડાક્ટર બનાવીને રજૂ કરાય તો તેની સામે કોઈ પ્રશ્ન નહીં. પ્રાફેટ બજિન્દરસિંહ મૃત બાળકને જીવતું કરી દેવાનું વીડિયોમાં ‘હાલેલુજાહ’ નાદ સાથે દાવો કરે તો તેની સામે આવી ટીપ્પણી તો ઠીક પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી પણ ન થાય.
ખ્રિસ્તી પંથાંતરણ માટે ફળદ્રુપ વિસ્તાર વ્યારામાં ગત મે મહિનામાં આ બજિન્દરસિંહનો કાર્યક્રમ થયો હતો. તેને સરકારની અનુમતી મળી હશે ને? અનુમતી વગર કાર્યક્રમ કરી શકાય? આવું કર્ણાટકમાં થયું હોત તો હિન્દુ સંગઠનો અને ભાજપે કેટલો ઉહાપોહ કર્યો હોત? આની સામે અંધશ્રદ્ધા સામે લડવાનો દાવો કરનાર ‘જાથા’એ ત્યાં પહોંચીને ઉહાપોહ કર્યો? ના, એ તો પીજીવીસીએલના કાર્યાલયમાં સત્યનારાયણની કથા થાય તેમાં જ ઉહાપોહ કરી શકે. ભારતમાં જે કંઈ ઘટે છે તેના માટે આપણે વિદેશીઓને ઉત્તરદાયી ઠરાવીએ છીએ અને તે સાચું પણ છે. પરંતુ શું માત્ર વિદેશીઓ બહાર બેઠાં-બેઠાં આ ષડયંત્રોમાં સફળ થઈ શકે? અજમલ કસાબે તો મુંબઈ પર આક્રમણ કર્યું જ અને તેના માટે તેને ફાંસી થઈ. પાકિસ્તાનના સૈનિકોએ કારગિલ પર આક્રમણ કર્યું અને ભારતીય સૈનિકોએ તેમને મારી નાખ્યા કે પાછા ખદેડી નાખ્યા, પરંતુ આ બંને કિસ્સામાં પત્રકાર બરખા દત્તે માહિતી આપીને પાકિસ્તાનમાં બેઠેલા ત્રાસવાદીઓના આકા કે પાકિસ્તાની સેનાના અધિકારીઓની મદદ કરી તે બદલ બરખા દત્ત સામે કોઈ કાર્યવાહી થઈ? ઉલટું, તેને તો આદર્શ માનવામાં આવી. તેને તો ૨૦૧૬ સુધી ભાજપનાં નેતા-નેત્રીઓ ઇન્ટરવ્યૂ આપતાં રહ્યાં.
આનાથી કઈ ઇકા સિસ્ટમ મજબૂત થાય? સ્વાભાવિક જ વિરોધી ! અહીં ફરી એક વાર સ્પષ્ટતા કે સરકારની વાત નથી. વાત વૈચારિક છે. સરકારની ટીકા તે જ્યાં ખોટી હોય ત્યાં થવી જ જોઈએ અને આવી ટીકા કરનારાને ઇન્ટરવ્યૂ આપો, તેને સેમિનારમાં બોલાવો, તેને પુસ્તક મેળામાં વક્તા તરીકે નિમંત્રો તે સારી વાત જ છે. વાત, ટીકા કરનારા જ્યારે ખોટા હોય, જ્યારે માત્ર હિન્દુ દ્વેષના કારણે હિન્દુ બાબતોની ટીકા કરે પણ સામેની બાજુએ ચૂપ રહે તેવા લોકોને પાળવા-પોષવા-તેમને મોટા સાબિત કરવાની છે. આવા લોકો તો સાચા હિન્દુવાદીઓને ઠેંગો બતાવતા હોય છે કે તમે ગમે તેટલા તર્ક સામે અમારો વિરોધ કરી અમારી સાથે લડશો પરંતુ સત્તામાં બેઠેલાઓ તો અમારી સાથે જ છે. અને તે લોકો તમારો ભાવ પણ નહીં પૂછે અને અમને અછોવાના કરશે. તમને પાણીનું નહીં પૂછે અને અમારા હારતોરા કરશે.
આનું ચૂંટણીમાં પરિણામ નહીં આવે તેમ માનવાને કોઈ કારણ નથી. મહારાષ્ટ્ર ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેને તેનો અનુભવ થઈ ગયો છે. શિવસેના (ઉ.ઠા. જૂથ)ના કાર્યકર્તાઓ જ દુઃખી હતા – ક્રોધિત હતા. આખી જિંદગી બાળાસાહેબના હિન્દુત્વના માર્ગે ચાલ્યા અને હવે ઔરંગઝેબને માનનારાઓની વાહ-વાહ કરવાની? કાંગ્રેસ સાથે જવાનું? એટલે હવે બૃહદ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉદ્ધવભાઉએ કાર્યકર્તાઓને હિન્દુત્વના માર્ગે પાછા ફરવાનો આદેશ કર્યો છે. વાસ્તવમાં હિન્દુત્વ એ માત્ર ચૂંટણી ટાણે ‘બટેંગે તો કટેંગે’નો નારો જપવાનો વિષય નથી. એ ૩૬૫ દિવસ ચોવીસ કલાક એ માર્ગે ચાલવાનો વિષય છે. ગુજરાતમાં દીવા તળે અંધારું એ રીતે મોદી તળે ભાજપની સ્થિતિ છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ધાર્યા કરતાં નબળાં પરિણામ પછી મોદીજી લોકસભામાં કહે કે હવે વિરોધી ઇકા સિસ્ટમને તેની ભાષામાં જ ઉત્તર અપાશે અને ભાજપ સરકારો કે સરકારની નીચે આવતા બુક ટ્રસ્ટ કે મનપા જ આવા લેખકોને આમંત્રણ આપીને એવું સાબિત કરે છે કે મોદીજી તો કહેતા રહે. આપણે તો લિબરલોના જ વ્હાલા થઈશું. કાંગ્રેસ ૧૯૮૪ સુધી કંઈક અંશે હિન્દુત્વના માર્ગે ચાલતી રહી તેથી જીતતી રહી. તે પછી ક્યારેય પોતાના જોરે સત્તામાં આવી શકી નથી. એ ઇતિહાસ પણ ન ભૂલવો જોઈએ.