બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડાથી બાઇક પર આવેલા બે પિતરાઇ ભાઇઓ દીવ ફરવા આવ્યા હતા. રાત્રીના સમયે દીવમાં દિવાળીના તહેવાર નિમિત્તે ફરવા આવેલા બે પર્યટકોને રહેવા હોટેલ રૂમ નહિ મળતાં રૂમ આપવાના બહાને બંને યુવકોને અન્ય બાઈક પર આવેલા બે શખ્સોએ લૂંટ્યા હતા. ઉના તાલુકાના નાળીયા માંડવી ગામ નજીક બન્ને યુવાનોને પોતાની બાઈક પર અવાવરું વિસ્તારમાં લઈ જઈ છરીની અણીએ બંને યુવકો પાસેથી ત્રણ મોબાઇલ અને ૧૧ હજાર રોકડની લૂંટ ચલાવી નાસી છુટયા હતા. જે અંગે નવાબંદર મરીન પોલીસને જાણ થતાં રાત્રિના સમયે સી.સી.ટી.વી.ના આધારે તપાસ કરી પોલીસે બે શખ્સોને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા. ઉના મામલતદાર કચેરીએ ઓળખ પરેડ કરી ઉના કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા.