ભરૂચમાં શિક્ષક દંપતીના ડબલ મર્ડરને પગલે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં દેવુ વધી જતા સગા જમાઈએ જ લૂંટ કરીને સાસુ સસરાની હત્યા કરી નાંખી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આ બનાવની વિગત મુજબ ભરૂચના વાલિયામાં આવેલી ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતિ જીતેન્દ્રસિંહ બોરાદરા અને તેમના પત્ની લતાબેન બોડાદરાનો તારીખ પાંચમી માર્ચના રોજ રાત્રીના સમયે લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
સમગ્ર દિવસ દરમિયાન મકાન બંધ રહેતા પાડોશીઓને શંકા ગઈ હતી અને તેઓએ પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘરમાં જાતા બેડ રૂમમાંથી બંનેના હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા.આ અંગે વાલીયા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ તપાસમાં જાડાઈ હતી પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં જ બેવડા હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે.
પોલીસે આ મામલામાં મૃતક જીતેન્દ્રસિંહ બોરાદરાના જમાઈ અને તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ડ્રીમ હોમમાં રહેતા વિવેક રાજેન્દ્રકુમાર દુબેની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની આકરી પૂછતાછ કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો. જમાઈ વિવેક દુબેને બેંક લોન તેમજ વ્યાજે લીધેલા નાણા અને શેર માર્કેટમાં ૩૦ થી ૩૫ લાખ રૂપિયાનું દેવું થઈ જતા આર્થિક રીતે સધ્ધર સસરાના ઘરમાં લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપવા કાવતરું રચ્યું હતું. જેના ભાગરૂપે તે કાર લઇ ગાંધીનગરથી વાલીયા આવ્યો હતો અને ઘરમાં ઘૂસી અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ કરી સાસુ અને સસરાની ઠંડા કલેજે હત્યા કરી.
પોલીસને શક ન જાય એ માટે બીજા દિવસે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પણ તે ત્યાં જ હાજર હતો અને પોલીસને તપાસમાં સહયોગ આપવાનું તરકટ રચી રહ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા ૪૩ હજાર તેમજ સોના ચાંદીના દાગીના પણ રિકવર કર્યા છે.આરોપી વિવેક દુબે પણ એક શિક્ષક છે. આરોપી વિવેક દુબે જાણતો હતો કે તેના સસરા આર્થિક રીતે ઘણા સદ્ધર હોવા ઉપરાંત વ્યાજે પણ નાણા આપે છે અને ઘરમાં મોટી કેસ તેમજ દાગીના રાખે છે જેના આધારે આ સમગ્ર કાવતરું રચ્યું હોવાનું બહાર આવ્યું છે.