ગેંગ લોકોને લોભામણી લાલચ આપીને તેમના બેંક ખાતા ભાડે લેતી હતી. ત્યારબાદ આ ખાતાઓમાં અન્ય જગ્યાએથી રૂપિયા જમા કરાવતી હતી. આ રૂપિયાને આંગણીયા કે હવાલા મારફતે ગુજરાત અને અન્ય રાજ્યોમાં મોકલી આપતી હતી. આ બદલામાં તેઓ ખાતાધારકોને કમિશન આપતા હતા. આ સમગ્ર કામગીરી માટે ગેંગે એક સુવ્યવસ્થિત નેટવર્ક ઊભું કર્યું હતું. જૂનાગઢ આસપાસના જિલ્લામાં બેંક ખાતા લીધાં અલગ અલગ બેંક ખાતાઓમાંથી ૫૦ કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરનાર જૂનાગઢની ગેંગને જૂનાગઢ સાયબર ક્રાઈમે ઝડપી પાડી છે.
જૂનાગઢ રેન્જ આઈ.જી. નિલેશ જાજડીયાને મળેલી બાતમીના આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ૨૦૦થી વધુ બેંક ખાતામાં છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેમાંથી ૮૨ ખાતાની તપાસ કરતાં ૫૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. પોલીસે આ ગેંગના મુખ્ય સુત્રધારો સહિતના ૮ આરોપીઓની ધરપકડ કરી છે.
સાયબર ક્રાઈમે આરોપી જે આરોપીઓને પકડયા છે તેમાં અભિષેક ઉર્ફે અભી શાંતિલાલ માથુકિયા, અમદાવાદ,સચિન ઉર્ફે ભૂલો ગોવિંદભાઈ વોરા, અમદાવાદ,આર્યન ઉર્ફે દાતાર મહેબુબભાઇ પઠાણ, જૂનાગઢ,ધર્મેશ હરસુખભાઈ ગોહિલ, જૂનાગઢ,સતીશ દેવરાજભાઈ કરમટા, જૂનાગઢ,અબ્દુલ કરી હશનભાઈ જેઠવા, જૂનાગઢ,આસીફ રહીમભાઈ બેલીમ, જૂનાગઢ,નયનાબેન ઇન્દ્રવદનભાઈ ટાંક, જૂનાગઢનો સમાવેશ થાય છે
એકાદ મહિના પહેલા રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં પી.આઈને માહિતી મળી હતી કે, જૂનાગઢ અને આસપાસના જિલ્લાઓમાં સાયબર ફ્રોડ કરતી ગેંગ કાર્યરત થઈ છે. જે ગેંગ અલગ અલગ બેંકના ખાતાધારકોના સંપર્ક કરી આખા ભારતમાં સાયબર ફ્રોડ કરી રહી છે. તેવા લોકો આ ખાતામાં નાણા જમા કરાવતા હોય અને આ ખાતાધારકોને પકડાયેલી ગેંગ કમિશન આપી ફ્રોડના નાણા આ ગેંગ ઉપાડી લેતી હતી. આ ગેંગના અમુક સભ્યો દ્વારા આંગણીયા અને અન્ય હવાલાથી અન્ય રાજ્યના શહેરોમાં આ ગેંગ નાણા મોકલતી હતી. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી તેમજ અલગ અલગ બેંકના ખાતાધારકોને લોભામણી લાલચ આપી ભાડે ખાતા રાખી આ ગેંગ છેતરપિંડી આચરતી હતી. બેંક ખાતાઓ મારફત છેતરપિંડી આચરનાર અમદાવાદના બે મુખ્ય આરોપીઓ, જૂનાગઢના પાંચ આરોપીઓને આ છેતરપિંડી આચરવા કમિશન આપતા હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય બહારના અન્ય લોકોની પણ સંડોવણી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ રીતે રીતે બેંકના ખાતાઓમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતી ગેંગો ઝડપાય છે. ત્યારે આ ગેંગ લોકોના એકાઉન્ટ ભાડેથી રાખી તેમજ અન્ય ખાતાઓમાંથી રૂપિયા જમા કરાવી કમિશન આપવાની લાલચ આપતા હતા. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે અમદાવાદના મુખ્ય બે આરોપીની અટકાયત કરી છે. તેમજ જૂનાગઢની એક મહિલા સહિત પાંચ મળી કુલ ૮ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે હાલ જૂનાગઢ સાયબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.