રાજુલાના ધાતરવડી-૧ ડેમ પાસે ચાલી રહેલા બ્લેક ટ્રેપ ખનન વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ડેમની સલામતી માટે મૂકવામાં આવેલા સિસ્મોલોજી યંત્રની ગોઠવણી યોગ્ય દિશામાં ન થઈ હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચોએ કર્યો છે. વાવેરા અને ધારેશ્વર ગ્રામ પંચાયતના સરપંચોના જણાવ્યા મુજબ, યંત્રને ડેમના પાળાની પશ્ચિમ દિશામાં મૂકવાને બદલે પૂર્વ દિશામાં મૂકવામાં આવ્યું છે. આના કારણે ભરડિયાઓથી યંત્રનું અંતર ૭૦૦ મીટર જેટલું વધી જાય છે, જે ખાણ માલિકોને ફાયદો કરી આપે છે. આ મામલે વધુ ગંભીર બાબત એ છે કે સિંચાઈ વિભાગે જણાવ્યા અનુસાર યંત્રની ગોઠવણી માટેની ટેન્ડર પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી. માત્ર એક જ પાર્ટીએ ટેન્ડર ભર્યું હોવાથી રી-ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલી રહી છે. આવી સ્થિતિમાં હાલમાં મૂકવામાં આવેલું યંત્ર કોણે અને કયા હેતુથી મૂક્યું તે પ્રશ્ન ઊભો થયો છે. સરપંચોએ કલેક્ટર, સિંચાઈ વિભાગ અને ખાણ-ખનીજ વિભાગને આવેદનપત્ર આપી આરોપ કર્યો છે કે આ કાર્યવાહી ખાણ-ખનીજ વિભાગ, સિસ્મોલોજીકલ વિભાગ અને બ્લેક ટ્રેપ માઈન્સ માલિકોની મિલીભગતથી કરવામાં આવી રહી છે. તેમણે આ મામલે તાત્કાલિક તપાસની માગણી કરી છે.