ધારી તાલુકાના લેનપરા ખાતે દેવીપૂજક સમાજમાં મૃત્યુ પ્રસંગે ધારાસભ્ય જે.વી. કાકડીયા પરિવારને સાંત્વના પાઠવવા આવ્યા ત્યારે સ્થાનિક સમાજના લોકોએ પાણી અને ડામર રોડની સમસ્યાઓ સંદર્ભે રજૂઆત કરી. ઘટનાસ્થળ ઉપર જ ધારાસભ્યએ આ બંને પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કર્યું. ગામના ૧૦૦ થી વધુ ઘરોને પીવાના પાણીની સુવિધા ન હોવા અને ડામર રોડ ન હોવાની સમસ્યાથી હેરાન પરેશાન સમાજના લોકોએ આ અંગે ધારાસભ્યને રજૂઆત કરી હતી. ધારાસભ્ય કાકડીયાએ સ્થળ પર જ આ સમસ્યાઓના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી અને તેમનું કામ શરૂ કરાવ્યું. વર્ષોથી અનુભવાતી આ સમસ્યાઓનું એકદમ ટૂંકા સમયમાં નિરાકરણ થતાં દેવીપૂજક સમાજમાં શોક વચ્ચે પણ હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી.