ધારીમાં રામનવમી નિમિત્તે ધારી નગરજનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારીના ચોરાપા શેરી ખાતે આવેલા રામજી મંદિરથી નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. બપોર બાદ શરૂ થયેલી આ શોભાયાત્રા બેન્ડવાજા, પાલખી અને ડીજે સાથે ધારીના મુખ્ય માર્ગો પર ફરી હતી. શોભાયાત્રામાં અનેક વેપારીઓએ શરબત અને પાણીના સ્ટોલ ઊભા કર્યા હતા, તેમજ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વર્ષોની પરંપરા મુજબ આ શોભાયાત્રાનું આયોજન ધારીના નગરજનો દ્વારા કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં રાજકીય પદાધિકારીઓ અને વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.