અમરેલી જિલ્લામાં પોલીસ અને પુરવઠા વિભાગને અંધારામાં રાખી બેરોકટોક બાયોડિઝલનો વેપલો કરવામાં આવે છે. જેથી ગેરકાયદેસર બાયોડિઝલનું વેંચાણ કરતા ઈસમો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. જેમાં ધારી તાલુકાનાં મીઠાપુર(ડુંગરી) ગામેથી ૧૪ હજાર લીટર બાયોડિઝલનાં જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા ગેરકાયદેસર ચાલતા બાયોડિઝલનાં ધંધા પર તૂટી પડવા પોલીસને આદેશ આપ્યો હતો. જેથી ધારી મદદનીશ પોલીસ અધિક્ષક જયવિર ગઢવીની રાહબરી નીચે અમરેલી એલસીબીએ ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મીઠાપુર(ડુંગરી) ગામે ગેરકાયદે બાયોડિઝલ વેંચાતું હોવાની માહિતીનાં આધારે રેઈડ કરતાં પોલીસે ૧૪ હજાર લીટર બાયોડિઝલ, ડિસ્પેન્સરી પંપ, ઈલેકટ્રીક મોટર તથા ટ્રક સહિત રૂ.૩૦.૮પ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે જયરાજ અમકુભાઈ માંજરીયા રહે.ચલાલા તથા રસુલ જમાલભાઈ પઠાણ રહે.સાવરકુંડલા વાળાની ધરપકડ કરી હતી.