ધારી તાલુકાના કેરાળા ગામે ભેંસોએ ઉકરડામાં માથું મારીને ખોળવા લાગતાં તેને તગડતા મામલા બિચક્યો હકતો અને પુરુષને તું એક વર્ષથી મારી દાઢમાં છે કહી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી ફટકારવામાં આવ્યો હતો. આ અંગે પ્રવિણભાઈ રામભાઈ સાગઠીયા (ઉ.વ.૫૦)એ કાંતિભાઈ અમરાભાઈ ગોહીલ, અનકભાઈ વજુભાઈ ગોહીલ તથા કમાભાઈ અમરાભાઈ ગોહીલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, બે દિવસ પહેલા તેઓ ગામના પાદરમાં પાંણીના ટાંકા પાસે પોદળા ભેગા કરવાનું કામ કરતા હતા તે અરસામાં તેમના ગામના ત્રણેય આરોપીઓ પોતાના માલઢોરને પાણી પીવડાવવા આવ્યા હતા. આ સમયે તેમની ભેંસો તેમણે ભેગા કરેલા પોદળાના ઉકરડામાં માથા મારી ખોળવા લાગી હતી. જેથી તેમણે પોતાની પાસે રહેલા તગારૂ તથા પાવડાથી ભેંસોને તગડતા કાંતિભાઈ ગોહીલે કાંઠલો પકડી કહ્યું કે તમે શું ફાટ્યા છો તમારા ટાંટીયા ભાંગી નાખવા જોશે, તું એક વર્ષથી મારી દાઢમાં છો તેમ કહ્યું હતું. જે બાદ ત્રણેય આરોપીઓએ તેમને મનફાવે તેમ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી શર્ટ ફાડી નાંખ્યો હતો. સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધીક્ષક એચ.બી. વોરા વધુ તપાસ કરી રહ્યા છે.