ધારી નગરપાલિકામાં પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવાશે

‘ડ’ વર્ગની નગરપાલિકામાં ધારીનો સમાવેશ કરાયો

આ આંબરડી સફારી પાર્ક અને ગીર પૂર્વ અભયારણ્ય વિસ્તારમાં આવનારા પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તેમજ સ્થાનિક રોજગારી સાથે પ્રવાસન વિકાસના ધ્યેય સાથે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતી આપી છે. ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવી દઈને આ ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે. ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય અને જંગલ વિસ્તાર આવેલા હોઈ મોટી સંખ્યામાં વર્ષ દરમ્યાન પ્રવાસીઓ આવતા રહે છે. એટલું જ નહિં, ધારી તાલુકાના ૨૫ જેટલા ગામો જંગલ વિસ્તારના હોવાથી ક્યારેક જંગલની આગના બનાવો બને તેવા સમયે ફાયર ફાઈટર અને અગ્નિશમન સેવાઓ પણ આ નગરપાલિકા દ્વારા સરળતાથી સમયસર મળે તેવો આશય પણ નગરપાલિકાની રચનામાં રહેલો છે. ધારીને નગરપાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે. ધારી નગરપાલિકા રાજ્યની ૧૬૦મી નગરપાલિકા બનશે. અત્યારે ‘અ’ વર્ગની ૨૨, ‘બ’ વર્ગની ૩૦, ‘ક’ વર્ગની ૬૦ અને ‘ડ’ વર્ગની ૪૨ મળી કુલ ૧૫૯ નગરપાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં આ નવી ‘ડ’ વર્ગની નગરપાલિકા ધારી નગરપાલિકાનો ઉમેરો થશે.

ધારી નગરપાલિકા બનતા વિકાસનાં દ્વાર ખુલશે: જે.વી. કાકડીયા
ધારી ગ્રામ પંચાયત હોવાને કારણે સરકારની ઘણી સુવિધાઓ મળતી ન હતી. જેનાં કારણે શહેરનો વિકાસ થઈ શકતો ન હતો. આ અંગે ધારાસભ્ય તરીકે વખતોવખત સરકારમાં રજૂઆતો પણ કરી હતી. છેલ્લી વિધાનસભામાં જિલ્લામાં ભાજપનાં પાંચેય ધારાસભ્ય ચૂંટાયા બાદ પાંચેય ધારાસભ્યો અને સંસદ સભ્ય દ્વારા ધારી નગરપાલિકા બનાવવા અંગે મુખ્યમંત્રીને સંયુકત રીતે રજૂઆત કરાઈ હતી. જેનો મુખ્યમંત્રીએ હકારાત્મક નિર્ણય લઈ ધારીને નવી નગરપાલિકા તરીકે મંજૂરી આપી છે. જેના કારણે શહેરનો વિકાસ થશે.