ધારી તાલુકાના દલખાણીયા ગામની સીમમાં આવેલી પોતાની વાડીમાં કામ કરી રહેલા બટુકભાઈ યાદવ નામના ખેડૂત ઉપર સિંહે અચાનક હુમલો કર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ખેડૂતને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ધારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ધારી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર દરમિયાન ખેડૂતની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સિંહને પકડવા માટે વિસ્તારમાં પિંજરા મૂકવાની કામગીરી શરૂ કરી દીધી છે.