અમરેલી જિલ્લામાં ગુંડા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગની સૂચના મુજબ અમરેલી એસપી સંજય ખરાતે ૧૧૩ અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી છે. ધારીના સરદાર નગર પાછળ ખોડિયાર ડેમ નજીક રામાભાઈ લખમણભાઈ મેર અને કાનાભાઈ લખમણભાઈ મેર નામના બે શખ્સોએ સિંચાઈ વિભાગની જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યું હતું. તા.૦૭ના રોજ વહીવટી તંત્ર, સિંચાઈ વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે બુલડોઝર ફેરવીને આ દબાણ દૂર કર્યું હતું. આ બંને શખ્સો સામે મારામારી અને પ્રોહિબિશન એક્ટ સહિત કુલ ૮ ગુના નોંધાયેલા છે. ધારી એએસપી જયવીર ગઢવીના જણાવ્યા મુજબ, રાજ્ય સરકારની સૂચના અનુસાર અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે આ શખ્સોના ગેરકાયદે વીજ કનેક્શન પણ કાપી નાખ્યા છે અને વીજ વિભાગ દ્વારા દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી વિસ્તારના માથાભારે તત્વોમાં ફફડાટ ફેલાયો છે.