અમરેલી જિલ્લામાં હોળીના રંગો ઉતરતા પહેલા જ તંગદિલી છવાઈ ગઈ. લાઠીમાં એક વ્યક્તિની હત્યાના બનાવથી વાતાવરણ ગમગીન બન્યું હતું, તો બીજી તરફ રાજુલામાં બે કોમ વચ્ચે અચાનક પથ્થરમારો થતાં પરિસ્થિતિ વણસી હતી. વાવેરા રોડ પર બનેલી આ ઘટનામાં એક જૂથના વાહનને આગ ચાંપવામાં આવી હતી, જેના કારણે ભયનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનામાં પાંચથી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
રાજુલામાં બનેલી આ ઘટનાની જાણ થતાં જ અમરેલીના છજીઁ વલય વૈદ્ય સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક પગલાં લીધા હતા અને બંને જૂથોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને પુરાવા એકત્રિત કર્યા હતા અને આ ઘટનામાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી હતી. રાજુલા પોલીસે આ ઘટનામાં બંને પક્ષો વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે લોકોને શાંતિ જાળવવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરી છે.