ધોરાજીની સેશન્સ અદાલતે વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપીને યુવાનોને છેતરવાના ચકચારી કેસમાં આરોપી રિઝવાન જીક્કરભાઈ કપડવંજી અને મેહુલ દીપકભાઈ રાજપોપટની રેગ્યુલર જામીન અરજી રદ કરી દીધી છે. ફરિયાદી સિદ્દીક જાફરમીયા સૈયદે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ તેમને બેંગકોકમાં નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા હતા અને ત્યાંથી ગેરકાયદેસર રીતે મ્યાનમાર બોર્ડર પર લઈ જઈ સાયબર ફ્રોડના કોલ કરવાની ફરજ પાડી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જે એએસપી સિમરન ભારદ્વાજને સોંપવામાં આવી હતી. તેમણે ઈમિગ્રેશન એક્ટની કલમનો ઉમેરો કર્યો હતો અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે અગાઉ બંને આરોપીઓની રેગ્યુલર જામીન અરજી રદ કરી હતી. આરોપીઓએ સેશન્સ કોર્ટમાં ફરીથી જામીન અરજી કરી હતી, જેનો વિરોધ કરતા તપાસ અધિકારીએ સોગંદનામું રજૂ કર્યું હતું અને પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખે દલીલો કરી હતી કે આરોપીઓએ આ ગુનો આર્થિક લાભ માટે પૂર્વઆયોજિત રીતે કર્યો છે, જે હ્યુમન ટ્રાફિકિંગ અને રાષ્ટ્રવ્યાપી નકારાત્મક પરિણામો લાવે તેવો ગંભીર ગુનો છે. જામીન પર છૂટવાથી તપાસ પર અસર થઈ શકે છે અને આરોપીઓ વિદેશ ભાગી જવાની શક્યતા છે. તમામ સંજોગોને ધ્યાનમાં લઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એ.એમ. શેઠે નોંધ્યું હતું કે આરોપીઓનું નામ પ્રથમ એફઆઈઆરમાં છે અને તેઓએ પૂર્વઆયોજિત ગુનાહિત કાવતરું રચી ગુનાને અંજામ આપ્યો છે. વિઝિટર વિઝા પર ભોગ બનનારને બોલાવી સારી નોકરીની લાલચ આપવામાં આવી હતી. આ તમામ હકીકતો જોતા કોર્ટે બંને આરોપીઓની જામીન અરજી રદ કરી હતી.