ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આગામી ૨૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ વિશેષ દિવ્યાંગ સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધી ચાલનારા આ કેમ્પમાં દિવ્યાંગજનોને વિવિધ સેવાઓ અને સહાય પૂરી પાડવામાં આવશે. કેમ્પમાં આંખ અને હાડકાની ખામીઓ અંગેના પ્રમાણપત્રો સ્થળ પર જ આપવામાં આવશે. દિવ્યાંગજનોને કૃત્રિમ પગ, વ્હીલચેર અને લાકડી જેવી સહાયક ચીજવસ્તુઓ તેમની યોગ્યતાના આધારે વિતરિત કરાશે. સમાજ કલ્યાણ કેન્દ્ર દ્વારા વિવિધ સહાય યોજનાઓના ફોર્મ ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કાર્ડ અને આભા કાર્ડ સહિતના મહત્વપૂર્ણ દસ્તાવેજો માટેની કાર્યવાહી પણ હાથ ધરાશે. કેમ્પને સફળ બનાવવા માટે ધોરાજીના નાયબ કલેકટર એન.એમ. તરખાલાના માર્ગદર્શન હેઠળ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડા. જયેશ વેસેટીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડા. પુનીત વાછાણી અને ધોરાજીના ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયા સહિતની ટીમે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.