ધોરાજી નગરપાલિકા દ્વારા આજથી બાર વર્ષ પહેલા ભાજપ નાં શાસનમાં અંદાજે ૨૧ કરોડના ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ આજે ૧૨ વર્ષ વીતી ગયા છતાં પણ એ પાઇપલાઇન શરૂ થઈ નથી.ધોરાજી નગરપાલિકામાં પીવાના પાણીના પ્રશ્ન છેલ્લા ૧૨ વર્ષથી પ્રજા પરેશાન થઈ રહી છે. પીવાના પાણીના પ્રશ્ને મહિલાઓએ રણચંડી પણ બની અનેક વિરોધ કાર્યક્રમ કર્યા અને પોલીસ ફરિયાદ સુધી મામલો પહોંચ્યો છે છતાં પણ આજે કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નખાઈ ગઈ છતાં પણ ધોરાજીની પ્રજાને પીવાનું શુદ્ધ પાણી અને સમયસર પાણી મળતું નથી તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આજથી બાર વર્ષ પહેલા નગરપાલિકામાં ભાજપનું શાસન ચાલતું હતું ત્યારે ધોરાજીની જનતાને શુદ્ધ પીવાનું પાણી મળે અને એ પણ એકાતરા પાણી મળે તે માટે અંદાજે ૨૧ કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી. નવી પાઇપલાઇન નંખાઈ ગયા પછી ધોરાજી નગરપાલિકાએ ભૂતિયા કનેક્શન કાપવાનો ઠરાવ કર્યો અને નવી પાઇપલાઇનમાંથી જે લોકોને કનેક્શન જોઈતું હોય તેઓએ રૂપિયા ૫૦૦ ભરીને પીળા કલરનું ટોકન મેળવી લેવું તે પ્રકારની માઈક દ્વારા જાહેરાત કરીને લોકો પાસેથી ફરજિયાત ૫૦૦ રૂપિયા ઉઘરાવ્યા હતા. જોકે તેમ છતાં પાણીની પળોજણ શરૂ રહેતા લોકોમાં રોષ ફેલાયો છે.