ધોરાજી અને ઉપલેટા વિસ્તારના ગામોમાં
અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાની પહોંચી છે. ત્યારે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ રાજયના
કૃષિમંત્રી રાઘવજી પટેલને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે ધોરાજી, ઉપલેટા પંથકમાં અતિ ભારે પવન સાથે વરસાદ પડતાં ખેતરોના ધોવાણ થઈ ચૂકયા છે. ઉભા પાકોમાં કપાસ, તુવેર, એરંડા, મગફળી અને સોયાબીન તેમજ મરચીના પાકને નુકસાન થયું છે અને પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ધોરાજી અને ઉપલેટાના ૩૯ ગામોમાં ૭પ થી ૯૦ ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. ત્યારે આ વિસ્તારમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને નુકસાની સહાય ચૂકવવા માંગ કરી હતી. વિશેષ ટીપ્પણી કરતાં જણાવેલ કે નુકસાનીનાં સર્વે માટે સ્ટાફ અપૂરતો હોઈ તો ધોરાજી અને ઉપલેટાનાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ પાસેથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે રિપોર્ટ મેળવી તાત્કાલિક નિર્ણય કરવા પત્રમાં જણાવ્યું હતું.