નડિયાદ નગરપાલિકાએ એસ.એન.એજન્સીને છેલ્લા ૩ વર્ષમાં કાંસની સફાઈ માટે રૂ.૧ કરોડથી વધુ રકમ ચૂકવી હોવાનું બહાર આવ્યું હતું. જા કે, એજન્સી દ્વારા ત્રણ વર્ષથી માત્ર દેખાડો કરવા માટે કાંસની સફાઈ કરીને ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરીને તકેદારી આયોગને પત્ર લખવામાં આવ્યો છે.
જાકે, શહેરમાં ત્રણ વર્ષ દરમિયાન માત્ર દેખાતા કાંસની સફાઈ માટે એજન્સીને નાણાં ચૂકવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ અંગે વિજિલન્સ કમિશનને પત્ર લખવામાં આવ્યો છે. સમગ્ર મામલાની તપાસ કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
નડિયાદમાં ગત ચોમાસામાં પડેલા ભારે વરસાદના કારણે નગરપાલિકા વિસ્તાર સહિત શહેર વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પાલિકાના પ્રિ-મોન્સુન પોલ ખોલતા તંત્રએ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા કાંસા પર આવેલી દુકાનોના ભાડુઆતોને નોટિસ ફટકારી કાંસાની સફાઈ શરૂ કરી હતી. જાકે, પાલિકાએ ખોદકામ શરૂ કરતાં દુકાનદારો હાઇકોર્ટમાં ગયા હતા. બાદમાં હાઈકોર્ટની શરતોને આધીન પાલિકાએ ખોદકામ કરાવ્યું હતું. ત્યારે ૮ ફૂટ ઉંડા ખાડામાં માત્ર ૧.૫૦ ફૂટ પાણી હોવાનું અને બાકીનો ખાડો ગંદકી અને કચરાથી ઢંકાયેલો હોવાનું જાણવા મળ્યું હતું.