કોયલા ડુંગર પર….હર્ષદ માતા મંદિર
જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ (ગોધવી) ગામમાં આવેલું હરસિદ્ધિ માતા મંદિર અનેરું મહાત્મ્ય ધરાવે છે. કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ બંને સ્થળે માતાના મંદિર આવેલાં છે, આ બંને મંદિર સાથે પૌરાણિક કથા સંકળાયેલી છે. હાલાર અને સોરઠ ભૂમિની સરદહ ઉપર આવેલું હરસિધ્ધિમાતા મંદિર ભગવાન શ્રી કૃષ્ણ તથા રાજા વિક્રમાદિત્યના કુળદેવીનું સ્થાનક છે.  અહીં એક કલાક સુધી યોજાતી મા હરસિધ્ધિની આરતી અત્યંત અદભુત અને જોવા-જાણવા-માણવા જેવી છે. એવું મનાય છે કે, આ આરતી વખતે માતા હરસિદ્ધિ અહીં હાજરાહજૂર હોય છે, તેથી જ ત્યાં આવેલા હિંડોળા (ઝૂલા) માના આગમનની સાથે જ આપોઆપ ઝૂલવા લાગે છે. ત્યારે મંદિરનું વાતાવરણ ખૂબ  શાંત અને ભાવવિભોર બની જાય છે.
ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી ગણાતાં હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર થયેલા પ્રાગટ્યની કથા એવી છે કે, બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા ભગવાન શ્રીકૃષ્ણએ તેમનાં કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા-અર્ચના કરી. શ્રીકૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલાં માતા કોયલા ડુંગર પર પ્રગટ થયા અને શ્રીકૃષ્ણને કહ્યું, તમે તો ત્રિભુવનના નાથ છો, સર્વશક્તિમાન છો છતાં મને કેમ યાદ કરી? ત્યારે કૃષ્ણએ માતાને વિનંતી કરી કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા મારે તમારી સહાયની જરુર છે. ત્યારે માતાજીએ વચન આપ્યું કે “જ્યારે તમે છપ્પનકોટિ યાદવો સાથે શંખાસુરને હણવા જાવ, ત્યારે દરિયા કિનારે ઊભા રહી મારું સ્મરણ કરજો. હું અચૂક તમારી મદદે આવી પહોંચીશ.” માતાજીના આશીર્વાદ મળતા છપ્પનકોટિ યાદવો સાથે શ્રીકૃષ્ણએ કોયલા ડુંગરની ટોચ પર મા હરસિદ્ધિનું સ્થાપન કર્યું. કોયલા ડુંગરની ટોચ પરના મંદિરે જવા માટે ૪૦૦ જેટલાં પગથિયાં છે. ડુંગર પર પહોંચી માના દર્શન કરનારને માતાજીના દર્શનની સાથોસાથ પ્રકૃતિનું અનેરું સ્વરૂપ જોવા-માણવા મળે છે, કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દૃષ્ટિમાન થાય છે. ડુંગરની ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યાં તેની પૌરાણિક કથા ઘણી રસપ્રદ છે. એક લોકવાયકા મુજબ દરિયામાં વેપાર કરવા માટે નીકળતાં વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સામે આવે ત્યારે માતાજીનું સ્મરણ કરી દરિયામાં નાળિયેર પધરાવીને જ આગળ વધે છે, જેથી તેમની આગળની મુસાફરી નિર્વિને પાર પડે. એકવાર કચ્છના વેપારી જગડુશા તેમનાં સાત વહાણમાં માલ ભરીને વેપાર કરવા માટે નીકળ્યા, પણ માતાજીની  સન્મુખ તેમનાં વહાણ આવતાં તેઓ માતાજીને આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમનાં છ વહાણ તો ડૂબી ગયાં પણ સાતમા વહાણને બચાવી લેવા માટે જગડુશાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી, જેથી માતાજીએ પ્રસન્ન થઇ વરદાન માગવા કહ્યું. તે સમયે જગડુશાએ કહ્યું, ‘માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈનાં વહાણ ડૂબે નહીં તેવું કરો.’ માતાજીએ જગડુશાની કસોટી કરવા કહ્યું, ‘જો તું દરેક પગથિયે મને બલિ ચઢાવે તો હું નીચે આવું. જગડુશાએ માતાજીની શરત માની દરેક પગથિયે એક-એક પશુનો બલિ આપતા ગયા, પણ છેલ્લાં ચાર પગથિયાં બાકી હતાં ત્યારે બલિ ખૂટી જતા જગડુશાએ પોતાના દીકરા, બે પત્નીનો બલિ આપ્યો અને છેલ્લા પગથિયે પોતાનો બલિ આપ્યો. આખરે માતાજીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઇ જગડુશા, તેમનો દીકરો, બંને પત્ની તથા તમામ બલિને સજીવન કર્યા અને શેઠ જગડુશાએ માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં નિર્માણ કરાવ્યું.
ખોડિયાર માતા મંદિર – ગળધરા
ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે ૫ કિલોમીટરના અંતરે શેત્રુંજી નદી તટે આવેલું ખોડિયાર માતાનું મંદિર ખૂબ પ્રભાવશાળી છે. અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે, જેને ગળધરો કે કાળીપાટ ઘુનો પણ કહે છે. આ ઘુનાની બાજુમાં જ ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડની નીચે આઈ શ્રી ખોડિયાર માતાની સ્થાપના થયેલી છે. આ નદી તટે હાલ મોટુ મંદિર બનાવ્યું છે, જ્યાં રહેવાની પણ વ્યવસ્થા છે. આ મંદિર પાસે શેત્રુંજી નદી પર મોટો ડેમ બાંધેલો છે જે ખોડિયાર ડેમના નામે સૌરાષ્ટ્રભરમાં જાણીતો છે.
આ સ્‍થળે ગળધરા ખોડિયાર માતાના મંદિરની સામે નદીના કાળા પથ્‍થરોમાં પાણીનો ઝરો વહે છે. લાખો શ્રદ્ધાળુઓ અહીંની મુલાકાત લે છે.
જૂનાગઢના રાજા રા’નવઘણનાં માતા સોમલદેને ખોડિયાર માતા પર ખૂબ શ્રધ્ધા હતી, કહેવાય છે કે ખોડિયાર માનાં આશીર્વાદથી જ રા’નવઘણનો જન્મ થયો હતો. આમ, જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાને ત્યારથી ચુડાસમા રાજપૂતોએ કુળદેવી તરીકે પૂજવાનું શરુ કર્યું હતું. રા’નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માના દર્શન કરવા આવતો. કહેવાય છે કે જયારે રા’નવઘણ તેની જીભની માનેલી બહેન જાસલ (જાહલ)ની વારે ચડ્‌યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે ૨૦૦ ફુટ ઉપરથી નીચે નદીમાં પડ્‌યો ત્યારે ખોડિયાર માતાએ જ તેની રક્ષા કરી હતી. જે સ્થળ હાલના ઘુનાથી થોડે દૂર આવેલું છે. ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય માણવા લાયક બની જાય છે.
ઉનાઇ માતા મંદિર
બીલીમોરા-વઘઈ રેલ્વે માર્ગ પર આવેલું ઉનાઇ ઉના પાણીના કુંડ માટે જાણીતું ગામ છે. ગરમ પાણીના આ કુંડ ઘણાં પ્રાચીન છે. કહેવાય છે કે, ભગવાન શ્રી રામને અહીં યજ્ઞ કરવો હતો, પણ એ યજ્ઞ કરવા માટે એમને અહીં બ્રાહ્મણો મળી શક્યા નહોતા તેથી તેમણે હિમાલય ઉપરના ગંગાકુલગિરિ સ્થળેથી બ્રાહ્મણોને બોલાવ્‍યા  હતા. એ આવેલા બ્રાહ્મણોને ગરમ પાણી પૂરું પાડવા માટે શ્રી રામે જમીનમાં બાણ મારીને ગંગાનો ગરમ પ્રવાહ ઉત્પન્ન્‍ા કર્યો. ઉપરાંત બીજી
લોકોÂક્ત મુજબ વનવાસ ભોગવી રહેલા શ્રી રામ સીતા અને લક્ષ્મણ જયારે દંડકારણ્‍યમાં શરભંગ ઋષિના આશ્રમમાં આવ્‍યા ત્‍યારે ઋષિએ યોગ બળથી પોતાનું દૂર્ગંધયુકત ખોળિયું બદલ્યું તેની જાણ લક્ષ્મણને થતાં શ્રી રામનું ધ્યાન ઋષિના વેદના ભર્યા દર્દ પ્રત્‍યે દોર્યુ. મહારોગથી વ્‍યથિત ઋષિની સ્થિતિ દૂર કરવા શ્રી રામે બાણ મારતા ધરતીના પેટાળમાંથી ઔષધિયુકત ઝરા બહાર ફુટયા સાથે ઉષ્ણ અંબાની ભવ્ય મૂર્તિ પ્રગટ થઈ. સીતાજીએ ઉષ્ણ અંબાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી. શકિત રૂપે અહીં વસવાટ કર્યો. વળી સીતાજીએ આ જગ્યામાં સ્નાન કરી શ્રી રામચંદ્રજી પાસે આવી ”હું નાઈ” તેમના મીઠાશભર્યા શબ્દોથી આ સ્થળ ગામનું નામ ”હું નાઈ”થી અપભ્રંશ થતાં ”ઉનાઈ” થયું. અહીં આસપાસના ભાવિક ભક્તો ઉનાઈ માતાના મંદિરે દર્શનાર્થે છે.