વિક્રમ સવંત ૨૦૮૧ના નવા વર્ષમાં દીપોત્સવ પર્વ અને નૂતન વર્ષાભિનંદન સૌ ઉજવી રહ્યા છે ત્યારે આવા પવિત્ર તહેવારો થકી નવા સંકલ્પો અને સત્કાર્યોનો અવસર ઉભો કરવાનો સમય આવી ગયો છે.
દિવાળી વેકેશન શિક્ષકો માટે ખૂબ અગત્યનું હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન બાળકો સાથે આત્મીયતા કેળવીને અભ્યાસ કરાવે છે. વેકેશનના સમયગાળા દરમિયાન સરકાર ઈ કેવાયસી કરાવે, અન્ય આધાર અપડેટ કરાવે તેમજ વિવિધ કામગીરીથી વેકેશન તો હોતું જ નથી. તેમ છતાં આફતને અવસરમાં રૂપાંતર કરવાની તાકાત ધરાવતા શિક્ષકો કરી આપે છે. જે કામ સમાજ કલ્યાણ અને મહેસુલ વિભાગને કરવાનું હોય છે તે શિક્ષકો ઉપર થોપી બેસાડવામાં આવે છે. શિક્ષકને જિલ્લા શિક્ષણ અધિકારી ઓર્ડર કરે એટલે શું કરે ? કોઈપણ કામ કરવાનું હોય એટલે સરકારને શિક્ષણ વિભાગ સિવાય બીજો કોઈ વિભાગ દેખાતો જ નથી. બેંકો ખાતા ખોલી શકતી હોય તો ઈ કેવાયસી કેમ ન કરી શકે? ખાતા ખોલાવવાથી શરૂ કરી તેમાં આવતી તમામ કામગીરી શિક્ષકે કરવી પડે છે. છેલ્લે સ્કોલરશીપના ફોર્મથી શરૂ કરી વાલીની તેમજ વિદ્યાર્થીની વ્યથા વચ્ચે મૂંઝાતું વ્યક્તિત્વ એટલે શિક્ષક.
નવા વર્ષથી રાજ્ય સરકાર માત્ર શિક્ષકોને ભણાવવા સિવાયનું બીજું કામ ન આપે તો કેવું સારું? શિક્ષણ એ સાર્વત્રિક અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ડોક્યુમેન્ટ અપડેટ અને આધારલિંક, સ્કોલરશીપ, ઈ કેવાયસી, મોબાઈલ લિંક જેવા કાર્ય માટે કેટલાય બેકાર યુવાનો છે તેમને રોજગારી આપવા માટે આ બધા ક્ષેત્રો ઉપયોગી બનશે. તેમની પાસે ઇન્ટરનેટનું તેમજ કમ્પ્યુટરનું જ્ઞાન હોવાથી સારી રીતે આ કાર્ય કરી શકશે. શિક્ષકોને ભણાવવા સિવાયનું કામ ન આપવાથી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધશે. વિદ્યાર્થીઓની સ્કોલરશીપ તેમજ આર્થિક પાસુ મજબૂત કરવા માટે આવનાર સમયમાં તેને સક્ષમ બનાવવાનો છે તેને માટે શિક્ષણ જરૂરી છે તે જ નહીં મળે તો ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ કઈ રીતે વધશે ? વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે નક્કર આયોજન કરી કાર્ય કરવું જોઈએ.
શિક્ષક મિત્રો, સરકાર ગમે તે કામ આપે આપણે બધા કરીએ છીએ અને કરતા રહીશું. નવા સત્રથી શાળાઓ બાળકોના આગમનથી જેમ પાનખરમાં વસંત ખીલે તેમ શાળાઓ બાળકોના આગમનથી ખીલી જશે તેવી મને ચોક્કસ ખાતરી છે. બાળકો વર્ગમાં આવશે એટલે તેમને આયોજનબદ્ધ સારું શિક્ષણ પ્રાપ્ત થાય તેવા સરાહનીય પ્રયાસો કરવા રહ્યા. બાળકો છે તો આપણે છીએ. આ મુદ્રાલેખ આપણી નજરમાં હોવો જોઈએ. બાળકોને વિષય પ્રમાણે ઉત્તમ શિક્ષણ આપી સારા નાગરિક નિર્માણ કરવાનું કાર્ય આપ સૌ મિત્રો કરશો. બાળકો નિયમિત શાળામાં આવે તેવું ભાવાવરણ અને વાતાવરણ નિર્માણ કરવાની જવાબદારી આપણી છે. નથી કેમ આવતા તે પણ શોધવાની જરૂર છે. કારણ કે શાળા એવું મંદિર છે જ્યાં સમગ્ર રાષ્ટ્રનું નિર્માણ કરવાનું કેન્દ્રબિંદુ છે. બાળકોમાં આત્મીયતાભાવ ઉભો કરી સ્નેહ અને પ્રેમના સિંચન થકી મીઠા આવકારાથી પોખજો.
માધ્યમિક શાળાના બાળકોની બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં છે એટલે ડિસેમ્બરમાં તેમનો કોર્સ પૂર્ણ કરવાનો હોય, તેવા સમયે એક્સ્ટ્રા પિરીયડ લઈને તેમને યોગ્ય શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરજો. બોર્ડ પેપર લખવાની પ્રેક્ટિસ કરાવજો. એક પણ મિનિટ બગડે નહીં તેની કાળજી રાખજો. મેક્સિમમ ગામડાના બાળકો પાસ થાય તેવા પ્રયત્નો કરવાની જરૂર છે. તેમની સાથે હકારાત્મક અને પોઝિટિવ એટીટ્યુડ દ્વારા કાર્ય લેવાની જરૂર છે. તેમનામાં ખૂબ સુસુપ્ત શક્તિઓ હોય છે. આવી શક્તિ થકી તેમનું કૌશલ્ય અને સ્કીલ કેળવાય તેવા પ્રયત્નો કરવા. જરૂર હોય તો આર્થિક મદદ પણ કરજો. આ એવું જ્ઞાનનું મંદિર છે ત્યાં રોકાણ કરવાથી સમાજને બહુ જ મોટા પાયે વળતર પ્રાપ્ત થશે. ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે ઉત્તમ શિક્ષક શ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માણ કરી શકે છે.
બાળકોને સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિમય બનાવવા માટે શાળા અગત્યનું એપિ સેન્ટર છે. બાળકો માટે આપણા વિષયનું શિક્ષણ અને ઉપયોગી મૂલ્ય તરાહની વાત પ્રસંગોચિત રજૂ કરવી રહી. વિદ્યાર્થીઓને દરરોજ પોઝિટિવ સ્ટોરી બે ત્રણ મિનિટની કહેવી રહી. સફળ વ્યક્તિઓના સંઘર્ષની ગાથા પ્રાર્થના સભા તેમજ વર્ગકાર્ય કરતી વખતે રજૂ કરવી જ રહી. જેથી તેમનામાં કાર્ય કરવાની તાકાત દ્રઢ બની શકે. એક શિક્ષક શું કરી શકે તે આપણે કરી બતાવવાનું છે. દુનિયા ગમે તે કહે આપણો અંતરાત્મા કહે તે કરતા રહેવું. બાકી જે દિવસે હાજર થાય તે દિવસે નિવૃત્ત થઈ જાય એવા શિક્ષક સમાજ માટે નુકસાનકારક હોય છે. ત્રણ ચાર દાયકા સુધી શિક્ષક તરીકે ફરજ બજાવીએ ત્યારે આપની અંદર રહેલી એનર્જી બાળકોને મળે તો જ તેનું ભાવિ ઉજ્જવળ બની શકે. બાળકોમાં શક્તિ તો હોય જ છે તેને ઉજાગર કરવાની તાકાત નિર્માણ કરવાનું કાર્ય શિક્ષકોને આપવામાં આવ્યું છે. બાળકો સાથે બાળક બની જવાથી તેને ખૂબ ગમે છે. બાળકો સાથે શિસ્ત અને સંસ્કાર બંને કેળવવાના છે. શિસ્તની તાતી જરૂરીયાત છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના બાળકોમાં કિશોર અવસ્થા દરમિયાન ઘણું બધું નવું નવું કરવાની જિજ્ઞાસા હોય છે. તેવા સમયે તેમની માંગ શું છે તે શિક્ષક સમજી જાય તે પ્રમાણે કાર્ય કરે તો વર્ગ સ્વર્ગ બની જાય છે.
એક જોગી બનીને નૈતિકતા અને પ્રમાણિકતાથી શિક્ષણ સેવા યજ્ઞ કરવાની તક મળી છે ત્યારે નવા સત્રથી સંકલ્પબદ્ધ બનીને કરીએ. રાજગોપાલાચારીએ કહ્યું કે “શિક્ષણ એ ચેતનાની ખેતી છે” બાળકોને મૂલ્યલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ અને સંસ્કાર પ્રદાન કરવાની વ્યવસ્થા શાળાઓ થકી નિર્માણ થાય તે જ આજના સમયની માગ છે. રાજ્ય સરકાર શિક્ષકોને શિક્ષણ સિવાયની બીજી કોઈ કામગીરી ન આપે તેવી નવા વર્ષે અપેક્ષા છે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોની બદલી જેવા મોટા વિષયને માન્ય કરી શિક્ષણ મંત્રી ડા. કુબેરભાઈ ડિંડોર સાહેબે સાચા અર્થમાં દિવાળી કરી આપી છે તે માટે શુભેચ્છાને પાત્ર છે. તેમના નવા સંકલ્પો શિક્ષકો માટેના હકારાત્મક રહ્યા છે. પ્રાથમિક શિક્ષકના જિલ્લા ફેર બદલી કેમ્પ અને ભરતી તેમજ ઓલ્ડ પેન્શન યોજના જેવા કાર્ય કરવા બદલ શિક્ષણમંત્રીને પણ નવા વર્ષે શુભેચ્છા પાઠવું છું. શિક્ષકોના જેટલા પણ પ્રશ્નો સરળતાથી આપ ઉકેલી રહ્યા છો તે બદલ નવા વર્ષે આપને પણ શુભેચ્છા પાઠવું છું. રાજ્યના પ્રાથમિક, હાઇસ્કૂલ અને કોલેજના તમામ શિક્ષણ વૃંદોમાં કાર્યકર્તા ગુરુજનોને વંદન કરું છું. દીપોત્સવ અંધકારને પ્રકાશ તરફ લઈ જાય છે. નૂતન વર્ષ નવા સંકલ્પો તરફ લઈ જાય છે. અને શિક્ષક ભવિષ્યને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જાય છે. બાળદેવો ભવઃ mo.૯૮૨૫૭૦૨૨૮૨