દેશનો નાગરિક કોણ હોઈ શકે ? એ અંગે વિશ્વના બધા દેશો પાસે સ્પષ્ટ કાયદાઓ છે. ભારતમાં આ જોગવાઈ સ્પષ્ટ કરતો નાગરિકતા અધિનિયમ ૧૯૫૫ છે. એ ઉપરાંત ભારતના બંધારણમાં અનુચ્છેદ ૫ થી ૧૧ સુધી નાગરિકતા અંગેની જોગવાઈઓ દર્શાવવામાં આવેલી છે. તેમાં જન્મ આધારિત નાગરિકતા અને વસવાટ આધારિત નાગરિકતા અંગે સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. બંધારણે આ કાયદામાં ફેરફાર કરવાની સત્તાઓ ભારતીય સંસદને આપી છે. દેશના વિભાજનની વિભીષિકા વખતે પોતાની આર્થિક, સામાજિક વ્યવસ્થાના મુળિયા છોડીને હિન્દુસ્તાન આવેલા લોકોને શરણાર્થી તરીકે સ્વીકારીને દેશમાં સ્થાયી કરવાની જવાબદારી દેશની છે. વિભાજન વખતે દેશના આગેવાનોએ કરેલ વાયદો કે અત્યારે આ હિંસક વિભીષિકામાં જે વિસ્થાપન રહી જશે તેના માટે દેશના દરવાજા ખુલ્લા રહેશે, એ પૂરો કરવાનું આખરી ચરણ છે. વિભાજન બાદ જે અલગ થયા એ દેશો પોતાના રાષ્ટ્રનો ધર્મ જાહેર કરીને એ ધર્મ કેન્દ્રિત બધી નીતિઓ ઘડતા થઇ ગયા. ત્યાં સારા ભવિષ્યની આશાએ જે અન્ય ધાર્મિક લઘુમતીઓ રહી ગઈ એમના માટે એ આશા દુઃખદ સ્વપ્ન સાબિત થઇ.
આઝાદી સમયે પાકિસ્તાનમાં હિન્દુ અને શીખોની આબાદી ૨૩ ટકા અને ૧૯૫૧માં બાંગ્લાદેશમાં હિન્દુઓની આબાદી ૨૨ ટકા હતી. આજે વર્તમાનમાં એ સંખ્યા પાકિસ્તાનમાં આશરે ૩.૭ ટકા અને બાંગ્લાદેશમાં સાડા આઠ ટકા જેવી રહી જવા પામી છે. અફઘાનિસ્તાનમાં ૧૯૯૨માં બે લાખ શીખ અને હિંદુઓ હતા આજે માત્ર પાંચસો બચ્યા છે. આમ, અફઘાનિસ્તાનમાં પણ તાલીબાન શાસન આવ્યા બાદ આંગળીના વેઢે ગણી શકાય તેટલી સંખ્યામાં બિન મુસ્લિમ લઘુમતી ત્યાં રહી જવા પામી છે. પડોશી દેશના આ આંકડાઓ હિન્દુસ્તાન માટે ચોંકાવનારા છે. આ બધા પડોશી દેશોમાંથી આવડી મોટી સંખ્યામાં એક ચોક્કસ ધર્મની જનતા કેમ હિજરત કરી ગઈ ? અને ક્યાં ગઈ ? આ બધી સંખ્યા ઘટી જવાનું મુખ્ય કારણ ધર્મ પરિવર્તન છે. બીજું ભારતમાં શરણાર્થી તરીકે આવી ગયા છે. સામા છેડે ભારતમાં મુસ્લિમોને આવા દિવસો જોવાનો સમય નથી આવ્યો, ધાર્મિક લઘુમતી હોવા છતાં ધર્મ આધારિત પ્રતાડનાથી દેશ છોડવાનો વખત નથી આવ્યો. આ ત્રણે પડોશી દેશો ઘોષિત ઇસ્લામ રાષ્ટ્ર છે. તેથી સ્વાભાવિક છે કે ત્યાંથી વિસ્થાપિત થઈને નિર્ધારિત તારીખ પહેલા ભારત આવેલી ધાર્મિક લઘુમતીઓને ભારતના આ કાયદાથી એક ઓથ ઉભી થશે. આ કાયદો દેશની નાગરિકતા આપવા અંગેનો કાયદો છે, દેશના કોઈ નાગરિકની નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ તેમાં નથી. સવાલ એ ઉભો કરવામાં આવી રહ્યો છે કે આ દેશમાંથી આવતા મુસ્લિમોને આ જોગવાઈ કેમ નથી લાગુ પડતી ? એ માટે એક સીધી વાત સમજવા જેવી છે કે આ ત્રણે રાષ્ટ્રો ઓલરેડી મુસ્લિમ રાષ્ટ્ર છે. ત્યાના મુસ્લિમને ધાર્મિક પ્રતાડના થવાની સંભાવના ધારવાનું કોઈ કારણ નથી. દેશનું વિભાજન જ જયારે ધર્મના આધારે થયેલું હોય ત્યારે એ દેશોમાં વિભાજન વખતે રહી ગયેલી અન્ય ધાર્મિક લઘુમતીઓને એક પાછા ફરવા માટે સંરક્ષણ હોવું જરૂરી છે. ભારતે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા મુસ્લિમ બહુમતીવાળા દેશમાં વસતી બિનમુસ્લિમ લઘુમતીઓ જેવી કે હિંદુ, શીખ, બૌદ્ધ, પારસી, ખ્રિસ્તી અને જૈન માટે નાગરિકતા અધિનિયમમાં સંશોધન કર્યું છે. આ ત્રણ દેશમાંથી તારીખ ૩૧, ડિસેમ્બર ૨૦૧૪ પહેલા ભારતમાં આવેલી ઉપરની લઘુમતીઓને ભારતની નાગરિકતા આપવા અંગેનો સુધારો થયો છે. દેશના નાગરિક બનવા માટે વિશ્વના કોઈપણ નાગરિક માટે જે રસ્તો છે તે આજે પણ ખુલ્લો જ છે. તેમજ ઇનર લાઈન પરમિટ અને સંવિધાનની છઠ્ઠી સૂચિમાં સામેલ ક્ષેત્રોને આ કાયદામાં બાકાત રાખવામાં આવ્યા છે.
દરેક ધર્મની પ્રજાનો એક સ્વાભાવિક પ્રદેશ હોય છે. જેમ કે ઇઝરાયેલ વિશ્વના દરેક યહૂદી માટે સ્વાભાવિક દેશ છે. એક સ્વાભાવિક લાગણીનો તંતુ જે જમીન સાથે જોડાયેલો હોય છે. પ્રજાઓ વિસ્થાપિત, સ્થળાંતરિત થતી રહે છે, પણ એ જમીન સાથે એક અદ્રશ્ય લાગણી જોડાયેલી રહે છે. દુનિયા જાકારો આપે ત્યારે પ્રજા આ ધરતી તરફ રુખ કરે છે. ભારત હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન માટેની સ્વાભાવિક ધરતી છે. પારસીઓએ આ દેશમાં આવીને દેશને પોતાનો કર્યો છે. એ તેમનું છેલ્લું ભૌગોલિક શરણ છે. શરણાર્થી દર વખતે મતદાર નથી હોતો. શરણાર્થી અને ઘુસપેઠીયા વચ્ચે ફરક છે. આક્રમણકારી ઘુસપેઠીયો છે. શરણાર્થી દેશની જવાબદારી છે. ઘુસપેઠીયાને મતદાર બનાવીને રાજકીય કારકિર્દી જીવતી રાખવા માંગતા રાજકીય પક્ષો દેશની સંપ્રભુતા પર ગીધની રાજનીતિ કરી રહ્યા છે. દેશના સંશાધનો દેશની જનતા માટે છે. ઘુસણખોરને મતદાર તરીકે દેશમાં સ્થાયી કરીને એ સંશાધનો તેમના હવાલે કરવા એ દેશની જનતાને અન્યાય છે. દેશ કોઈને શરણાર્થી તરીકે સ્વીકારે ત્યારે એ શરણાર્થીની પણ ફરજો હોય છે. હાથમાં પથ્થર લઈને અવૈધ રીતે સરહદ પાર કરીને દેશમાં ઘુસી ગયેલ દરેક આક્રાન્તાને ખદેડી મુકવો એ દરેક દેશનો અબાધિત અધિકાર છે. દેશની અખંડતા અને સંપ્રભુતા અંગેના કાયદાઓ ઘડવા માટેના તમામ અધિકારો સંઘની યાદીમાં છે. રાજ્યો પાસે આ અંગે નિર્ણય કરવાનો અધિકાર બંધારણ આપતું નથી. મતબેંકને મજબૂત કરવા દેશને ખોખલો કરવાની માનસિકતા દેશ માટે ઘાતક છે. કોઈ રાજ્યની સરકાર કે રાજકીય પક્ષ આ અંગે દેશની મુખ્યધારાથી અલગ ફંટાઈ શકે નહિ.
ક્વિક નોટ — નાગરિકતા બક્ષવા અને રદ્દ કરવા તેમજ તેને આનુષંગિક કોઈપણ બાબતમાં કોઈપણ જોગવાઈઓ ઘડવામાં સંસદને ઉપરની કોઈ પણ જોગવાઈઓનો બાધ નડશે નહિ. –- ભારતીય બંધારણ અનુચ્છેદ ૧૧