અમરેલી તાલુકામાં પોલીસની નિષ્ક્રીયતાને કારણે તસ્કરો સક્રિય બન્યા છે. વાડી વિસ્તાર કે મંદિરોમાં થતી ચોરીઓને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. અમરેલી તાલુકાના નાના ભંડારીયામાં આવેલા અંબાજી મંદિરમાં તસ્કરોએ એક વર્ષમાં ચાર વખત ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો હતો. અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામે આવેલા અંબાજી મંદિરમાં દાનપેટીમાં તસ્કરોએ ચોરી કર્યાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં રોષનો માહોલ છવાયો હતો. ફરીયાદી સરપંચ નરેશભાઈ ત્રાપસીયાએ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ગામમાં આવેલ અંબાજી મંદિર જે ભક્તિધામના નામે ઓળખાય છે તેમાં ગત રાત્રીના અજાણ્યા તસ્કરોએ દાનપેટીમાથીં ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દાન પેટીમાં અંદાજે રૂ.૧પ હજાર જેટલી રકમ હોવાનો અંદાજ છે. નાના ભંડારીયામાં તસ્કરોને મોકળુ મેદાન મળી ગયુ છે. પોલીસ પેટ્રોલીંગના નામે કોઈ જ કામગીરી થતી ન હોવાથી ચોરી,લૂંટ જેવી ઘટનાઓએ માઝા મુકી છે ત્યારે બેફામ બનેલા તસ્કરોને તાત્કાલિક ઝડપી પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.
બોક્ષ
રામજીમંદિર,શિવ મંદિરમાં પણ ચોરી
અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામે તસ્કરો મંદિરોને નિશાન બનાવી રહ્યાં છે. ભુતકાળમાં ગામમાં આવેલા રામજીમંદિર અને શિવમંદિરમાં પણ ચોરી થઈ હતી. જા કે તસ્કરોને પોલીસનો કોઈ જ ડર ન હોવાથી તસ્કરો બિન્દાસ્ત મંદિરોમાં ચોરી કરી રહ્યાં છે. પોલીસની નિષ્ક્રિયતાને કારણે તસ્કરો બેફામ બન્યા છે.
બોક્ષ
વાડીઓમાં પણ કેબલ ચોરી થઈ હતી
જાણવા મળતી માહિતી મુજબ ગત વર્ષે નાના ભંડારીયાના વાડી વિસ્તારોમાં સીમચોરો સક્રિય બન્યા હતા. તસ્કરો ખેડૂતોના કેબલ ચોરી ગયા હતા. આમ, તસ્કરોએ જાણે નાના ભંડારીયાને બાનમાં લીધુ હોય તેમ મંદિરો અને વાડીઓને નિશાન બનાવતા હોવાથી આ બાબતે પોલીસ હવે પોલીસ સ્ટેશનમાંથી બહાર નિકળી લોકોની જાનમાલની રક્ષા થાય તેવી કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.