ધોરાજી તાલુકાના નાની પરબડી ગામના ખેડૂતોએ ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સોલાર સિસ્ટમમાં જ્યોતિગ્રામ યોજનાના નિયમ વિરુદ્ધ આવતા વધુ પડતા વીજ ઓવર વોલ્ટેજ અંગે રજૂઆત કરી છે. ખેડૂતોનું કહેવું છે કે, હાલમાં તાપમાન વધવાથી ઘર વપરાશમાં વધુ વોલ્ટેજ આવે છે, જેના કારણે સોલાર સિસ્ટમનો લાભ લેનારા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. નાની પરબડીના પૂર્વ સરપંચ અરવિંદભાઈ ગજેરાએ જણાવ્યું કે, આ અંગે ધોરાજી પીજીવીસીએલ કચેરીના મુખ્ય અધિકારીને પણ બે વખત પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. ખેડૂતોની માંગ છે કે, તાત્કાલિક અસરથી નવા સોલાર જોડાણો આપવાનું બંધ કરવામાં આવે અને હાલની સિસ્ટમમાં આવતા ઓવર વોલ્ટેજની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે, જો તેમની માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો તેઓને જન આંદોલન કરવાની ફરજ પડશે.