અમદાવાદ પીસીબી દ્વારા નારોલમાં ગેરકાયદેસર દારૂના વેપલા પર ત્રાટકીને એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં પીસીબીની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે નારોલ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ૨ કુખ્યાત બુટલેગરો, ધવલ ઉર્ફે બંટી અને જીત કડિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પીસીબીની ટીમે આરોપીઓ પાસેથી વિદેશી દારૂ અને બિયરની કુલ ૮૩૬ બોટલો જપ્ત કરી હતી, જેની કુલ કિંમત રૂપિયા ૪,૩૭,૬૬૬ થાય છે. આ ઉપરાંત પીસીબીએ આરોપીઓ પાસેથી રૂપિયા ૨૪.૭૭ લાખનો અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો, જેમાં રોકડ રકમ, વાહનો અને અન્ય ગેરકાયદેસર ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.
પીસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઓપરેશન ગેરકાયદેસર દારૂના વેપલાને ડામવા માટે હાથ ધરવામાં આવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, આરોપીઓ લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા અને તેઓના નેટવર્કને તોડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાયર્વાહી શરૂ કરી છે અને યોગ્ય તપાસ હાથ ધરી છે.