ગુજરાતમાં વધુ એક વખત દારૂબંધી માત્ર કાગળ પર હોવાનું સાબિત થયું છે. અમદાવાદના નિકોલમાંથી ૪૩ લાખની કિંમતના દારૂ સાથે ૧ આરોપી પકડાયો છે. નિકોલ વિસ્તારમાં દાસ્તાન સર્કલ પાસે પીસીબીએ બાતમીના આધારે દરોડા પાડીને કન્ટેનરમાં થતી દારૂની હેરફેરનો પર્દાફાશ કર્યો છે.

૪૩ લાખથી વધુની કિંમતની ૧૮ હજાર ૩૦૦ બોટલ દારૂ જપ્ત કરાયો છે..દારૂનો જથ્થો, કન્ટેનર સહિત ૭૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે.પોલીસે અણદારામ જાટ નામના ડ્રાઇવરની ધરપકડ કરી છે. તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારની શોધખોળ શરૂ કરી છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, વર્ષ ૨૦૨૪માં કરોડો રૂપિયાનો ગેરકાયદેસર દારૂ પકડાયો હતો.સ્ટેટ મોનિટરિંગ સેલે વર્ષ ૨૦૨૪ દરમિયાન રાજ્યભરમાં દરોડા પાડીને કુલ ૪૫૫ કેસ નોંધ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ ૨૨ કરોડ, ૫૧ લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો હતો. એટલું જ નહીં, પોલીસે કુલ ૫૧ કરોડ, ૯૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

રાજ્યના ચાર મોટા શહેરોમાં પણ ગેરકાયદેસર દારૂનું વેચાણ મોટા પ્રમાણમાં થતું હોવાનું સામે આવ્યું હતું. આ ચાર મહાનગરોમાંથી કુલ ૨ કરોડ, ૬૦ લાખથી વધુનો દારૂ વર્ષ ૨૦૨૪ દરમ્યાન પકડાયો હતો, જેમાં સૌથી વધુ દારૂ વડોદરા શહેરમાંથી ઝડપાયો છે.

ચાર મહાનગરો ઉપરાંત, મહેસાણા, વડોદરા ગ્રામ્ય, ગોધરા, સુરત ગ્રામ્ય, નવસારી, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં પણ ૧ કરોડથી વધુની કિંમતનો દારૂ પકડાયો હતો.. આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂનું નેટવર્ક કેટલું ફેલાયેલું છે.