ભારતના પાડોશી દેશ નેપાળ ફરી એકવાર ભૂકંપના તીવ્ર આંચકાથી હચમચી ઉઠ્યું છે. અહીં થોડી મિનિટોના અંતરે આવેલા ભૂકંપને કારણે ધરતી બે વાર ધ્રુજી ઉઠી. આના કારણે લોકો ગભરાઈ ગયા અને પોતાના ઘરની બહાર દોડવા લાગ્યા. શનિવારે સવારે નેપાળના અલગ અલગ વિસ્તારોમાં બે વાર હળવા તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
જાકે, રાહતની વાત એ છે કે ભૂકંપને કારણે કોઈપણ પ્રકારના નુકસાન અંગે હજુ સુધી કોઈ તાત્કાલિક માહિતી નથી. નેપાળના રાષ્ટ્રીય ભૂકંપ દેખરેખ કેન્દ્ર અનુસાર, કાઠમંડુથી લગભગ ૩૦૦ કિમી દૂર બાગલંગ જિલ્લામાં સવારે ૬.૨૦ વાગ્યે ભૂકંપ આવ્યો હતો.
નેપાળમાં આવેલા ભૂકંપથી સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર જિલ્લાનો ખુખાણી વિસ્તાર હોવાનું કહેવાય છે. અગાઉ કહેવામાં આવ્યું હતું કે બાગલંગથી લગભગ ૪૦ કિમી દૂર મ્યાગડી જિલ્લામાં સવારે ૩.૧૪ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કેન્દ્રએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪ માપવામાં આવી હતી અને તેનું કેન્દ્રબિંદુ મ્યાગડી જિલ્લાના મુરી વિસ્તાર હતું.