નેપાળ, ભારત અને બાંગ્લાદેશે ક્રોસ બોર્ડર પાવર વેપારની સુવિધા માટે લાંબા સમયથી રાહ જોવાતી ત્રિપક્ષીય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર મુજબ નેપાળ ૧૫ જૂનથી ૧૫ નવેમ્બર દરમિયાન દર વર્ષે વરસાદની મોસમ દરમિયાન ભારત મારફતે બાંગ્લાદેશને તેની વધારાની વીજળીની નિકાસ કરશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
નેપાળ તેના પ્રદેશ દ્વારા બાંગ્લાદેશને વીજળીનું વિતરણ કરવા માટે ભારતની ટ્રાન્સમિશન લાઇનનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કામાં નેપાળ ભારતીય ક્ષેત્ર દ્વારા બાંગ્લાદેશને ૪૦ મેગાવોટ હાઇડ્રોપાવરની નિકાસ કરશે. વીજળીનો પ્રતિ યુનિટ દર ૬.૪ સેન્ટ નક્કી કરવામાં આવ્યો છે. નેપાળ ઇલેક્ટ્રીસિટી ઓથોરિટી ના અધિકારીઓએ જણાવ્યું હતું કે વીજળીની નિકાસ નેપાળ માટે લગભગ યુએસ ૯.૨ મિલિયનની વાર્ષિક આવક પેદા કરશે.
મુઝફ્ફરપુર ખાતે મીટરિંગ પોઈન્ટ સાથે ધલકેબાર-મુઝફ્ફરપુર ૪૦૦ કેવી ટ્રાન્સમિશન લાઇન દ્વારા બાંગ્લાદેશમાં વીજળીની નિકાસ કરવામાં આવશે. ૬ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ, બાંગ્લાદેશની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ નેપાળથી ૪૦ મેગાવોટ વીજળીની આયાત કરવાની મંજૂરી આપી. સમજૂતી મૂળ ૨૮ જુલાઈના રોજ નક્કી કરવામાં આવી હતી, જે બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ અને સરકારમાં ફેરફારને કારણે મુલતવી રાખવામાં આવી હતી.
ઉર્જા, જળ સંસાધન અને સિંચાઈ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કરારની તૈયારી માટે ઉર્જા સચિવ અને સંયુક્ત સચિવ સ્તરની બેઠક મંગળવાર અને બુધવારે કાઠમંડુમાં યોજાઈ હતી. નેપાળના ઉર્જા મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે એનઇએના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર કુલમન ઘિસિંગ, એનટીપીસી વિદ્યુત વ્યાપર નિગમના સીઈઓ ડીનો નારણ અને બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડના અધ્યક્ષ મોહમ્મદ રિઝવાન કરીમ વચ્ચે કાઠમંડુમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રસંગે નેપાળના ઉર્જા મંત્રી દીપક ખડકા અને તેમના બાંગ્લાદેશી સમકક્ષ સૈયદા રિઝવાના હસન પણ હાજર હતા.
નેપાળ ઓઈલ કોર્પોરેશન અને ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશને બે નવા પાઈપલાઈન પ્રોજેક્ટ બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે બે પડોશી દેશો વચ્ચે ઊર્જા ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બનશે. સિલીગુડી (ભારત) થી ઝાપા (નેપાળ) પાઈપલાઈનની લંબાઈ ૫૦ કિમી હશે, જ્યારે બીજી એક પાઈપલાઈન અમલેખગંજથી ચિતવનના લોથર સુધી ૬૨ કિમી લાંબી હશે.
આ કરાર બાદ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ કરાર પર ખુશી વ્યક્ત કરી હતી આઇઓસીના અધ્યક્ષ વી. સતીશ કુમારે જણાવ્યું હતું કે આ સહકાર મોતિહારી-અમલેખગંજ પાઈપલાઈનની સફળતા પર આધારિત છે અને બંને દેશો માટે ઉર્જા સુરક્ષાને વધારતી વખતે અવિરત ઊર્જા જોડાણનો માર્ગ મોકળો કરે છે. જણાવી દઈએ કે નેપાળ ઓઈલ કોર્પોરેશનના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર ચંડિકા ભટ્ટ અને આઈઓસીના ડિરેક્ટર સેન્થલ કુમારે બે કરાર પર હસ્તાક્ષર કર્યા. હસ્તાક્ષર સમારોહ દરમિયાન, ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ પંકજ જૈન અને આઇઓસી પ્રમુખ વી. સતીશ કુમાર હાજર હતા.