ગુજરાતમાં ડ્રગ્સની થઈ રહેલી હેરાફેરીમાં છેક પંજાબથી કોકેઈન ઘુસાડવાના એક પ્રયાસને નિષ્ફળ બનાવીને આંતરરાષ્ટ્રીય બજારમાં ૧.૪૭ કરોડની કિંમતનું મનાતું કોકેઈન ઝડપી લીધુ હતું અને તેની હેરાફેરીમાં સંડોવાયેલ બે મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસ સમક્ષ કરેલી કબુલાત મુજબ એક જ પરિવારના સભ્યો પંજાબથી કોકેઈન લાવ્યા હતા અને તે ગુજરાતમાં કચ્છના માર્ગે પહોંચાડાયું હતું. મહિલાના જણાવ્યા મુજબ પરિવારના એક કૌટુંબિક બનેવીના કહેવાથી તેઓ આ કોકેઈન પંજાબથી લાવ્યા હતા અને તે છુટક વેચવાનો પ્લાન હોય તેમ જણાતું હતું. ૧૪૭ ગ્રામ આ કોકેઈન અત્યંત માદક પદાર્થ ગણાય છે અને તેની એક ગ્રામની કિંમત પણ અત્યંત ઉંચી હોય છે. પંજાબમાં તે પાકિસ્તાનના માર્ગે ઘુસાડાયું હોય તેમ માનવામાં આવે છે અને તેથી જ ગુજરાત ઉપરાંત પંજાબમાં પણ પાકિસ્તાની ડ્રગ કાર્ટેલ સક્રિય હોવાનું માનવામાં આવે છે.