શંકર ચૌધરીની આગેવાની હેઠળની બનાસ ડેરીને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ સહકારિતા વોર્ડ મળ્યો છે. પંજાબમાં અમૃતસર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સહકારિતા અધિવેશનમાં બનાસ ડેરીને આ એવોર્ડ મળ્યો હતો. રાષ્ટ્રીય સહકારિતા અધિવેશન દર ત્રણ વર્ષે યોજવામાં આવે છે.
આ સન્માન બનાસ ડેરીએ કરેલી પ્રગતિ દર્શાવે છે. બનાસ ડેરીએ ઓછા કુદરતી સંસાધનો અને પાણીના અભાવ વચ્ચે આ પ્રગતિ સાધી છે. દૂધમાં કરેલી શ્વેત ક્રાંતિની પહેલ સમગ્ર દેશમાં અમલી બનાવવા કટિબદ્ધ છે. સહકાર ક્ષેત્રનો વ્યાપ દેશમાં અમલી બનાવવા માટે સહકારી આગેવાનો પણ કટિબદ્ધ બન્યા છે. તેઓએ જણાવ્યું છે કે શંકર ચૌધરીની આગેવાની હેઠળ બનાસ ડેરી આ રીતે પ્રગતિનો પંથ કંડારતી રહેશે.
બનાસ ડેરી એક માસમાં પશુપાલકોના ખાતામાં ૧,૦૦૦ કરોડથી વધુ રકમ જમા કરાવતી દેશની એકમાત્ર સહકારી સંસ્થા છે. ગુજરાતમાં સહકારી ક્ષેત્રનું નામ આવે એટલે બનાસ ડેરીના નામ વગર આ ઉલ્લેખ અધૂરો ગણાય. તેમા પણ બનાસ ડેરી અને શંકર ચૌધરી એકબીજાના પર્યાય કહેવાય છે. શંકર ચૌધરીએ બનાસ ડેરીની વિકાસગાથામાં કરેલા અમૂલ્ય પ્રદાનના ગુણગાન આજે પણ બનાસકાંઠાના ખેડૂતો ગાય છે. તેઓ સ્વીકારે છે શંકર ચૌધરીના સક્ષમ વહીવટ થકી જ બનાસ ડેરીએ આ મુકામ હાંસલ કર્યો છે.
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, પાણીની તંગી વચ્ચે બનાસકાંઠાએ પ્રગતિ કરી છે. ઓછા શિક્ષણ વચ્ચે આપણાં જિલ્લાની બહેનો દૂધના વ્યવસાય થકી કરોડપતિ બની છે, જે વૈશ્વીક સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બન્યો છે. પરંતુ આપણી આ પ્રગતિ સાથે આપણે સતત કાર્યશીલ રહેવું પડશે. વૃક્ષારોપણ અને જળ સંચય સમયની માંગ છે. ખેતરના શેઢા પર ચંદનના વૃક્ષોનું વાવેતર કરી કરોડપતિ થઈ શકાય છે. સારી બ્રીડના પશુઓથી દૂધમાં વધારો થાય તે માટે એમ્બ્રીયો ટ્રાન્સપ્લાન્ટ પધ્ધતિ વિકસાવી છે. જે આગામી સમયમાં પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે રતનપુરા ખાતે ભારતની સૌથી મોટી બ્રીડ લેબ તૈયાર થવા જઈ રહી છે. જેનાથી વધુ દૂધ આપતા દુધાળા પશુઓનું સંવર્ધન થશે. સારા બ્રીડની ગાય તૈયાર થશે. રાધનપુર ખાતે ગૌમૂત્ર પ્રોસેસિંગ પ્લાન્ટની શરૂઆત કરી છે. આણંદ યુનિવર્સીટી સાથે મળી પ્રવાહી બાયોફર્ટીલાઇઝર બનાવવાનું શરૂ કર્યું છે. જે આપણાં જમીનની જૈવિકતા ફરી જીવંત કરશે. ટેક્નોલોજી અને વિજ્ઞાન સાથે કામ કરવાથી બનાસનું ભવિષ્ય ઉજ્જવળ બનશે