બકાને આજે એક નવતર વિચાર આવ્યો. એ વિચારને અમલમાં મૂકવો ખૂબ અઘરો હતો.
પણ ભાઈ, બકો તો બકો હતો. એ એકવાર વિચારે (હા એ વાત ખરી કે બકો ખૂબ ઓછું વિચારે)
પણ, વિચારે એટલે અમલમાં મૂક્યાં વગર ના રહે.
એનાં હાસલ -ખોટ, નફો -નુકસાન એ જોવાનું કામ બીજાનું. એટલે બકાએ બોસ પાંહે આવી વાતની શરૂઆત કરી..
‘‘બોસ, મારે ઘોડો લેવો છે.’’
બોસને એમ કે, રસોડામાં વપરાતા વાસણ મૂકવાના ઘોડાની વાત છે. એમણે કહ્યું.
‘‘ઘોડા ઘણાં ‘ય પ્રકારના આવે. તારે કેવો ઘોડો લેવો છે? લોખંડનો ? સ્ટીલનો ? કે પછી લાકડાનો ??’’
‘‘અરે બોસ, એ ઘોડાની વાત નથી. એ ઘોડો તો મારી ઘરવાળી લાવી છે.’’
‘‘તો પછી કેવો ઘોડો લેવો છે? રમકડાનો ?’’
‘‘અરે બોસ, હાસુકલો ઘોડો, ચાર પગ વાળો ઘોડો લેવો છે.’’
‘‘બકા, તારી ઘરે હાંડલા કુસ્તી કરે છે અને તું ઘોડાને શું ખવરાવીશ !? અને તારે છાપરાં વાળું મકાન છે. અને તું એ ઘોડાને બાંધીશ ક્યાં??’’
‘‘એ બધી વાત પછી. પણ, ઘોડો લેવો ઈ વાત પાક્કી.’’
‘‘તો તો તારે અભણ અમથાલાલને મળવું પડે. એનું એમાં હારૂ ધ્યાન બેહે છે. એણે ઘણાં ‘યને ઘોડા વાળતાં કરી દીધા છે.’’
અમથાલાલ અને બેરાલાલ બન્ને આવી ચડ્યા.
બકાએ માંડીને વાત કરી એટલે અમથાલાલ એવું પાત્ર. એ લાભ -હાનીનું પોસ્ટમોર્ટમ કર્યા વગર રહે નહીં.
‘‘જો ભાઈ! હાલનાં સંજોગો જોતાં તારો વિચાર હારો છે. પણ, તું કેટલો અને કેવો અમલ કરે છે ઈ વધારે મહત્વનું છે. તારા વિચારમાં નફો તો કદાચ મળે તો મળે. પણ, નુકસાન જોવાના ‘ય ઘટકો ઘટી શકે છે. હા, આજકાલ લોકોમાં વરઘોડે ચડવાની નવી ફેશન આવી છે એટલે છાસવારે ઘોડે ચડે છે. પણ…’’
બકાએ અહીંથી જ વાતનો દોર હંભાળ્યો.
‘‘આ તમારું ‘પણ’ એ મારું પણ, ‘પણ’ છે. આજકાલ છોકરાઓને છોકરીઓ મળતી નથી. બારોબાર લગ્ન થઈ જાય છે. કેટલાક તો માત્ર હામ-હામે હારતોરા જ કરી લે છે. આમાં મારો ઘોડો કરશે શું?’’
બેરાલાલ ક્યાં સુધી ચૂપ બેસે.
‘‘બકા, મારે તને ઘોડો લેતા પહેલા ચેતવવો છે. આજકાલ સમાજમાં નવા નવા ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. પેલા છોકરા હારે છોકરી જ ભાગતી. હવે બન્ને છોકરીઓ પણ ભાગે છે. ભાઈ બહેન પણ ભાગે છે. પડોસી -પડોસણ હારે ભાગે છે. સાંઈઠ વરહના ડોહા હારે અઢાર વરહનીય ભાગે છે અને દેશી હારે વિદેશીય ભાગે છે. અરે તને શું વાત કરું, વેવાઈ અને વેવાણ પણ ભાગે છે. પણ, આ વાત આટલેથી અટકતી નથી. હમણાં તો એક જમાઈ સાથે એની સગ્ગી સાસુ ભાગી ગઈ બોલો.
હવે બકા, તું જ વિચાર કર, આ બધા જ ગ્રાહકો તારા હાથમાંથી તો ગયા ને !! અને અનેક વખત તો ઘોડો જ (જે ઘોડાનું બિલ ચુકવવાનો છે.) વરને લઈને ભાગી જાય છે. આવી બધી વાતોને નજરઅંદાજ ના કરાય.’’
‘‘ તમારી વાતમાં દમ છે બેરાલાલ. પણ, એટલે જ હું વિચારું છું કે ઘોડો વરઘોડામાં હાલે ત્યાં સુધી વરઘોડામાં હાંકવાનો. જેવો નવરો પડે કે રેસનો ઘોડો બનાવી દેવાનો.’’
બેરાલાલને અચરજ થયું,
‘‘રેસનો ઘોડો ? ઈ વળી કેવો ઘોડો હોય ? એની ખામી અને ખુબી શું હોય? અને એ રેસના ઘોડાથી તને શું ફાયદો?’’
અમથાલાલે ‘ય ટાપચી પુરી.
‘‘બકા, રેસના ઘોડા તો પૈસાવાળાની ઘરે જ હોય અને એની કિંમત તો લાખો કરોડોમાં હોય. તારું ખોરડું અને જમીનનો કટકો આપી દે તઈ માંડ માંડ એને નવરાવાનો સામાન આવે. રેસનો ઘોડો, રેસનો ઘોડો બોલવું સહેલું છે. રેસનો ઘોડો એટલો જ અઘરો છે. પણ, તે આ રેસના ઘોડાની વાત હાંભળી ક્યાંથી ??’’
‘‘ટી.વી. વાળા હમણા હમણા વરઘોડાના ઘોડા અને રેસના ઘોડાની પીપુડી વગાડે છે અને કહે છે કે હવે ફલાણાં ફલાણાંને ચૂંટણીમાં રેસના ઘોડા તરીકે જ ઉતારવા છે. વરઘોડાના ઘોડાને લગ્ન માટે રાખી મૂકવા છે.’’
બેરાલાલના કાન ચમક્યા.
‘‘નેતા બનવા માટે માણસો ખૂટી ગયાં છે? કે હવે ઘોડાને ચૂંટણીમાં ઊભા રાખવા છે. માણસ નેતા બને પછી માણસ મટી જાય છે. (નેતા બની જાય છે.)એમ ઘોડાને તો ઘોડો રહેવા દો.’’
બકો બોલ્યો.
‘‘એ જે હોય તે, મારો ઘોડો ચૂંટણીમાં ઊભો રહીને જીતી જાય તો મારે તો કાયમનું હખ થઈ જાય ને.’’
બોસે બકાના માથે હાથ મૂકીને કહ્યું.
‘‘જો બકા, રેસના ઘોડાને ચૂંટણીમાં ઊભા રાખવાની વાત છે ઈ જરાં જુદા પ્રકારની વાત છે.
આપણે ન્યાં પુગવામાં ખૂબ નાના છીએ. અહીં તો માણસ જ નજીકના માણસને ઊભો રહેતા જોઈ શકતો નથી ત્યાં ઘોડાને તો ક્યાંથી ઊભો રહેવા દે.’’
kalubhaibhad123@gmail.com