દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામના બૈસરન વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શુક્રવારે જીવન ધીમે ધીમે સામાન્ય થવા લાગ્યું. ૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ થયેલા આ હુમલા પછી, સમગ્ર પહેલગામમાં શાંતિ છવાઈ ગઈ. હોટલો ખાલી હતી, પ્રવાસીઓ પાછા ફર્યા હતા, અને દુકાનો બંધ હતી. સુરક્ષા દળોએ પહેલગામથી લગભગ ૧૩ કિમી પહેલા લંગેબલ વિસ્તારમાં એક ચેકપોસ્ટ બનાવી હતી અને બે દિવસ સુધી કોઈને પહેલગામ જવાની મંજૂરી આપી ન હતી.
શુક્રવારે પહેલગામ બજારમાં કેટલીક દુકાનો ખુલી હતી અને કેટલાક પ્રવાસીઓ પણ ત્યાં ફરવા આવ્યા હતા. એવું લાગતું હતું કે જીવન ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે, જે એક સકારાત્મક સંકેત છે. દુકાનો ખુલવાથી અને પ્રવાસીઓ પાછા ફરવાથી સ્થાનિક લોકો રાહત અનુભવી રહ્યા છે.
સ્થાનિક રહેવાસી અબ્દુલ રશીદે જણાવ્યું હતું કે, આજે થોડું સારું લાગે છે કારણ કે લોકો પાછા આવવા લાગ્યા છે અને દુકાનો ખુલી ગઈ છે. અમે ઈચ્છીએ છીએ કે પ્રવાસીઓ પાછા આવે જેથી અમારા ઘરોમાં ચૂલા સળગી શકે. જા પર્યટન પ્રભાવિત થશે, તો ઘણા લોકો તેમની નોકરી ગુમાવશે.
દરમિયાન, શુક્રવારની નમાજ પછી, સ્થાનિક લોકો પહેલગામ હુમલાની નિંદા કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને “અમે હિન્દુસ્તાની છીએ, હિન્દુસ્તાન અમારું છે”, “પ્રવાસીઓ અમારા મહેમાન છે” જેવા નારા લગાવ્યા હતા.
અન્ય એક સ્થાનિક, જાવેદ ખટાનાએ કહ્યું, અમને શરમ આવે છે કે અમારા મહેમાનોને આ જાનવરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા. અમે ઇચ્છીએ છીએ કે તેને પહેલગામના હૃદયમાં ફાંસી આપવામાં આવે. અમે અમારા મહેમાનોની સુરક્ષા માટે અમારા જીવનું બલિદાન આપવા તૈયાર છીએ.
આ ઘટના બાદ, બૈસરનના જંગલોમાં સુરક્ષા દળોનું કોમ્બીગ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. પ્રવાસીઓનો વિશ્વાસ પાછો આવે તે માટે પ્રશાસને પહેલગામમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.