પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસે સેના, સીઆરપીએફ અને અન્ય સુરક્ષા દળો સાથે મળીને સંવેદનશીલ વિસ્તારોમાં મોટા પાયે શોધખોળ અને ઘેરાબંધી અભિયાન શરૂ કર્યું છે. સર્ચ ઓપરેશન દિવસ-રાત ખૂબ જ સતર્કતા સાથે ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરી હેઠળ અનંતનાગ જિલ્લામાં વિવિધ સ્થળોએ અનેક દરોડા પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં લગભગ ૧૭૫ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે અને આતંકવાદી પ્રવૃત્તિઓને સહાયતા આપતા નેટવર્કને તોડી પાડવા માટે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અનંતનાગ પોલીસે જણાવ્યું હતું કે અમે કોઈપણ સંભવિત આતંકવાદી ઉપસ્થિતિને સમાપ્ત કરવા અને જિલ્લાને સુરક્ષિત કરવા માટે અમારા સાજેદાર સુરક્ષા દળો સાથે મળીને કોર્ડન અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છીએ. અનંતનાગ પોલીસ જિલ્લામાં શાંતિ જાળવવા અને
સામાન્ય પરિસ્થિતિમાં ખલેલ પહોંચાડવાના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
સંવેદનશીલ જિલ્લાઓમાં સુરક્ષા વધારવા, શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે વધારાની મોબાઇલ વાહન ચેક પોસ્ટ્સ સ્થાપિત કરવામાં આવી છે. જાહેર સહયોગ માંગવામાં આવ્યો છે અને નાગરિકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવા સલાહ આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ૨૨ એપ્રિલે પહેલગામના બૈસરન મેદાનમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલાઓમાં ૨૫ ભારતીયો અને ૧ નેપાળી નાગરિકનો સમાવેશ થાય છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ સુરક્ષા દળોએ પોતાની સતર્કતા વધારી દીધી છે. પોલીસે પેટ્રોલિંગ અને એમ્બુશ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દીધા છે, ખાસ કરીને ગાઢ જંગલ વિસ્તારોમાં જ્યાં આતંકવાદીઓ છુપાઈ શકે છે.
દરમિયાન રાજૌરી વિસ્તારમાં સુરક્ષા દળોને પણ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જમ્મુ-રાજૌરી-પુંછ હાઇવે પર વાહનોની તપાસ કરવામાં આવી રહી છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શુક્રવારે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે શ્રીનગરની મુલાકાત લીધી હતી. જનરલ દ્વિવેદીને જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ સામે કરવામાં આવી રહેલી કાર્યવાહી તેમજ નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાના પ્રયાસો વિશે માહિતી આપવામાં આવી હતી.