ઉચ્ચારણમાં અઘરા ધ્વનિઓમાં ‘સ’, ‘શ’, અને ‘ષ’ છે અને ‘ચ’, ’છ’, ‘જ’, ‘ઝ’, પ્રમાણમાં સહેલા છે તેમ છતાં ‘જ’-‘ઝ’, ‘ચ’-‘છ’, અને ‘છ’-‘સ’ સમાન રીતે ઉચ્ચારી લોકો કક્કાની અધુરી કેળવણી અભિવ્યક્ત કરે છે. એટલે સાચા ઉચ્ચારથી વાકેફ થવા પ્રયત્ન કરીએ. આજે એ વાત વિષે કરીએ.
‘સ’, ‘શ’, અને ‘ષ’ એ અનુક્રમે દન્ત્ય, તાલવ્ય અને મૂર્ધન્ય સંઘર્ષી વ્યંજનો છે. આ ધ્વનિઓના ઉચ્ચારણ વખતે ઉચ્ચારણ અંગો સંકોચાયને હવાનો એવો અવરોધ કરે છે, કે ઉચ્છ્‌વસિત હવા સંઘર્ષ પામે છે, અને સામાન્ય રીતે સિસોટી વાગવા જેવા અવાજ સાથે આ ધ્વનિઓ ઉચ્ચારાય છે. ‘સ’ દન્ત્ય સંઘર્ષી છે, તેના ઉચ્ચારણ વખતે જીભ દાંતની નજીક રહે છે, અને હવા દાંત સાથે સંઘર્ષ પામે છે. ‘સ’નું ઉચ્ચારણ અન્ય સંઘર્ષી વ્યંજનોના પ્રમાણમાં આપણે સાચું કરીએ છીએ. ‘શ’ અને ‘ષ’ થોડા અઘરા ઉચ્ચારો છે. ‘ષ’ મૂર્ધન્ય સંઘર્ષી છે. આપણા ઉપલાં જડબામાં, દાંતની ઉપરના અંદરના ભાગમાં સહેજ કરકરિયા જેવી રચના છે,
સંસ્કૃતમાં એને મૂર્ધા કહેવાય છે. (એના પરથી મૂર્ધન્ય શબ્દ આવ્યો છે.) ઉચ્છ્‌વસિત હવા આ મૂર્ધા પાસે સંઘર્ષ પામે ત્યારે આ ‘ષ’નું ઉચ્ચારણ થાય છે. ‘શ’, અને ’ષ’ માં આ ‘ષ’ આપણે વધુ બોલીએ છીએ. (તાલવ્ય ‘શ’ના ઉચ્ચાર કરતાં આ સહેલો છે એટલે.) જે તાલવ્ય સંઘર્ષી ‘શ’ છે, તે તાળવા સાથે સંબંધિત છે. ‘શ’ ના ઉચ્ચાર માટે ઉચ્છ્‌વસિત હવા તાળવા પાસે સંઘર્ષ પામે એ જરૂરી છે. આ રીતે ઉચ્ચારણ કરવાની બધાને ટેવ નથી હોતી એટલે ‘શ’ સાચી રીતે બધાથી બોલાતો નથી. જીભના ટેરવાને મૂર્ધાથી થોડું વધુ તાળવા તરફ વાળી હવાને તાળવા પાસે સંઘર્ષિત કરાવી આ ધ્વનિ સાચો ઉચ્ચારી શકાય છે. (પ્રયત્ન કરી જૂઓ, મજા આવશે.) “એનું કશું શિખર શીર્ષ સલિલ શ્યામ.” (તમે પણ પ્રયત્ન કરી જુઓ, મજા આવશે)