લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં અગાઉની ચૂંટણીની સરખામણીએ મતદારોનો ઉત્સાહ ઓછો જણાતાં રાજકીય પક્ષોમાં ચિંતા, ચિંતન, મંથનનો દોર શરૂ થયો છે.સત્તારૂઢ ભાજપ હવે પછીના તબક્કાઓની તૈયારીમાં લાગી ગયો છે. પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકાય તે માટે આગામી તબક્કાની ચૂંટણીઓમાં વધારેમાં વધારે મતદાન થાય તેવી ભાજપની કોશિશ રહેશે. તેની સાથે જ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઊતરેલા પાર્ટીના મુખ્ય નેતાઓ હવે દેશના અન્ય ભાગોમાંની ચૂંટણીઓ માટે પ્રચારનું કામ સંભાળશે. સાત તબક્કાની લોકસભા ચૂંટણીનો પ્રથમ અને સૌથી મોટો ૧૦૨ સીટોનો ચૂંટણી તબક્કો શુક્રવારે પૂર્ણ થયો છે. ચૂંટણી પંચના પ્રારંભિક આકલન અનુસાર, ૬૦ ટકા કરતાં વધારે મતદાન થયું, જ્યારે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૬૯.૪૩ ટકા મત પડયા હતા. આ વખતની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના સંપૂર્ણ આંકડા જાહેર થયા બાદ તે ૬૦ ટકા ઉપર રહેશે પરંતુ તે ગઈ વખતની ચૂંટણીના પહેલા તબક્કા કરતાં ઓછા જ રહેશે. નોંધવું જાઈએ કે ગઈ ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૯૧ સીટો માટે મતદાન થયું હતું, જ્યારે આ વખતની ચૂંટણીના પહેલા તબક્કામાં ૧૦૨ સીટો માટે મતદાન થયું છે.
ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે દરેક ક્ષેત્રના મતદાનના સંપૂર્ણ આંકડા આવી ગયા બાદ પાર્ટી મંથન કરશે અને આગળની રણનીતિ નક્કી કરશે. તેનાથી પાર્ટીનું પ્રચાર અભિયાન વધારે સઘન થશે અને નેતાઓના પ્રચારપ્રવાસો પણ વધશે. સાથે જ આગામી તબક્કામાં જે મુખ્ય નેતાઓની ચૂંટણી છે તેઓ જાતે હવે પોતાના ક્ષેત્ર પર વધારે ધ્યાન આપશે. સૂત્રોએ એમ પણ કહ્યું કે મતદાન પછી તરત જ રાજકીય પાર્ટીઓ પોતાના નફા-નુકસાનની ગણતરી કરવા લાગી છે. ભાજપ માટે આ અપેક્ષા કરતાં ઓછું મતદાન છે. જોકે પાર્ટીનું માનવું છે કે જ્યારે તુલનાત્મક રીતે ઓછું મતદાન થાય છે ત્યારે તે સત્તારૂઢ પાર્ટીના પક્ષમાં હોય છે.
બીજી તરફ વિપક્ષી દળોનું માનવ છે કે ઓછું મતદાન સરકાર માટેની ઉદાસીનતાને કારણે પણ હોઈ શકે છે. તેનાથી ભાજપ અને તેની સરકારના મોટા દાવા અને હકીકત બાબતે પણ લોકોમાં નારાજગી સામે આવી શકે છે. જોકે બધાનું કહેવું છે કે આગામી તબક્કામાં મતદાન વધારવા માટે પોતાના કાર્યકર્તાઓને વધારે સક્રિય કરશે અને જનતાને વધારે મતદાન કરવા પણ જણાવશે.