ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં પોલીસ ચેકપોસ્ટ પર બંદૂકધારીઓએ હુમલો કરતા ત્રણ પોલીસકર્મીઓ માર્યા ગયા અને પાંચ ઘાયલ થયા. પોલીસે આ હુમલા અંગે માહિતી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે ભારે હથિયારોથી સજ્જ હુમલાખોરોએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કરક જિલ્લામાં બહાદુર ખેલ ચેક પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે ઘાયલ પોલીસકર્મીઓને કરકના જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાકે, ગંભીર રીતે ઘાયલ ત્રણ પોલીસકર્મીઓને પેશાવર ખસેડવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસની જવાબી કાર્યવાહી બાદ હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા. તેમણે કહ્યું કે ઘટના બાદ ભારે પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને ગુનેગારોને પકડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
સુત્રો અનુસાર, હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. તદનુસાર, પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ આ હુમલાની નિંદા કરી અને માર્યા ગયેલા પોલીસકર્મીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે આ હુમલા માટે પાકિસ્તાની તાલિબાનને જવાબદાર ઠેરવ્યા છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરે આ હુમલાની નિંદા કરી છે. ગયા મહિને વડા પ્રધાન શાહબાઝ શરીફે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને ખતમ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.