જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદ્યા છે. તે જ સમયે, પાકિસ્તાને પણ પ્રતિક્રિયામાં અનેક નિર્ણયો લીધા છે, જેમાં એરસ્પેસ બંધ કરવાનો પણ સમાવેશ થાય છે. બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. દરમિયાન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ) ના નેતા શરદ પવારે કહ્યું છે કે “મને નથી લાગતું કે પાકિસ્તાન ચૂપ રહેશે.”

મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા શરદ પવારે કેન્દ્ર સરકારને કહ્યું કે “કોઈપણ નિર્ણય કાળજીપૂર્વક વિચારણા પછી લેવો જોઈએ કારણ કે પાકિસ્તાન ચૂપ રહેશે નહીં.”

પવારે કહ્યું, “આજે આપણે કેટલાક નિર્ણયો લઈ શકીએ છીએ, પરંતુ કાલે પાકિસ્તાન પણ તેનો જવાબ આપશે. મને નથી લાગતું કે પાકિસ્તાન ચૂપ રહેશે. યુરોપ જતી લગભગ બધી ફ્લાઇટ્‌સ પાકિસ્તાન ઉપરથી ઉડે છે. જો પાકિસ્તાન પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરશે, તો હવાઈ મુસાફરી ખૂબ મોંઘી થઈ જશે.” તેમણે વધુમાં કહ્યું, “સરકાર કહે છે કે કાશ્મીરમાં આતંકવાદ ખતમ થઈ ગયો છે, પરંતુ આ ઘટના દર્શાવે છે કે સુરક્ષામાં મોટી ખામી રહી ગઈ છે.”

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારત સરકારે સિંધુ જળ સંધિ રદ કરી દીધી છે, અટારી સરહદ બંધ કરી દીધી છે અને ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને પાછા ફરવા કહ્યું છે. પાકિસ્તાને વાઘા બોર્ડર બંધ કરવાનો અને શિમલા કરાર રદ કરવાનો પણ નિર્ણય લીધો છે. આ સાથે પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર પણ બંધ કરી દીધું છે. ફેબ્રુઆરી ૨૦૧૯ માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં ૪૪ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. આ હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો. આ હુમલો આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં અનેક વાહનોનો નાશ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ભારતે બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી. આ પછી, પાકિસ્તાન વાયુસેનાએ જમ્મુના રાજૌરી સેક્ટરમાં જવાબી કાર્યવાહી કરી, જેમાં ભારતે એક પાકિસ્તાની એફ-૧૬ ફાઇટર પ્લેનને તોડી પાડ્યું.