ગુજરાતના પાટણમાંથી ચોંકવાનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં સરસ્વતી મોરપા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના મોત નિપજ્યા છે. બંને બાળકો સગા ભાઈ બહેન હોવાનું સામે આવ્યું છે. હાલ, બાળકોના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.
ગુજરાત સહિત દેશભરમાં ઉનાળાના ગરમીનો કહેર શરૂ થઈ ગયો છે. એવામાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે ગામના નદી તેમજ તળાવમાં નહાવા જતા હોય છે. પાટણના સરસ્વતી મોરપા ગામે ચારથી પાંચ બાળકો ગરમીથી રાહત મેળવવા માટે તળાવમાં નહાવા ગયા હતાં. આ દરમિયાન ૯ વર્ષનો ભાઈ અને ૧૪ વર્ષની બહેનનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. બે બાળકો તળાવમાં ડૂબી રહ્યા હતાં, ત્યારે તેમને ડૂબતા જાઈ સાથે નહાવા પડેલા અન્ય બાળકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો અને બૂમાબૂમ કરી હતી. બાદમાં ગામના લોકો ભેગા થઈ ગયા અને બાળકોને તળાવમાંથી બહાર કાઢી તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે, સારવાર દરમિયાન બંને બાળકોના મોત નિપજ્યા હતાં.